પ્રવાસી મજૂરોને વતન પહોંચાડવા અમિતાભે 6 ફ્લાઈટ્સ બુક કરાવી

મુંબઈઃ દેશભરમાં કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે કેન્દ્ર સરકારે જ્યારથી લોકડાઉન લાગુ કર્યું છે ત્યારથી પરપ્રાંતીય કામદારો-મજૂરોને એમના વતન રાજ્ય-શહેરમાં પહોંચાડવા માટે બોલીવૂડની અનેક હસ્તીઓ મદદ કરવા આગળ આવી છે.

મજૂરોને એમના વતનના સ્થળોએ પાછા જવા માટે મદદ કરવા અભિનેતા સોનૂ સૂદ સતત પ્રયાસો કરી રહ્યો છે ત્યારે મહાનાયક અમિતાભ બચ્ચન પણ સતત પ્રયત્નશીલ રહ્યા છે અને આ વખતે એમણે મુંબઈમાં અટવાઈ ગયેલા 1000 પ્રવાસી મજૂરોને ઉત્તર પ્રદેશમાં એમના વતન પાછા જવા માટે 6 ફ્લાઈટ બુક કરાવી આપી છે.

આવી પ્રત્યેક ફ્લાઈટમાં 180 મજૂરો બેસી શકશે અને તેઓ મુંબઈથી અલાહાબાદ, વારાણસી, ગોરખપુર, લખનઉ સુધી જશે. છમાંની ચાર ફ્લાઈટ આજે માટે નક્કી કરાઈ છે અને બાકીની બે ફ્લાઈટ આવતીકાલે ઉપાડવામાં આવશે.

એરપોર્ટ પર અમિતાભના કટઆઉટ્સ મૂકવામાં આવ્યા છે જેથી એમના ચાહકો એમની આ મદદ માટે એમનો આભાર માની શકે.

આ પહેલાં અમિતાભે મુંબઈમાં અટવાઈ ગયેલા માઈગ્રન્ટ મજૂરોને ઉત્તર પ્રદેશમાં એમના વતન પહોંચાડવા માટે 10 બસની વ્યવસ્થા કરી હતી. તે ઉપરાંત લોકડાઉનની શરૂઆત થઈ હતી ત્યારથી અમિતાભ ઓલ ઈન્ડિયા ફિલ્મ એમ્પ્લોઈઝ કોન્ફેડરેશન સંસ્થા સાથે સંકળાયેલા એક લાખ જેટલા દૈનિક પગાર પર નભતા અને મુશ્કેલીમાં મૂકાઈ ગયેલા લોકોને માસિક રેશન ચીજવસ્તુઓ માટેની પણ વ્યવસ્થા કરી આપી હતી.