પડદા પર પિતા તરીકેનો પૂર્ણ રોલ કરવાની રણબીરની ઈચ્છા છે

મુંબઈ – આજે ‘ફાધર્સ ડે’ નિમિત્તે બોલીવૂડ અભિનેતા રણબીર કપૂરે એવી ઈચ્છા વ્યક્ત કરી છે કે એને કોઈક એવી ફિલ્મમાં કામ કરવું છે જેમાં એનો આખો રોલ પિતા તરીકેનો હોય.

રણબીર હાલ એની આગામી નવી ફિલ્મ સંજુના પ્રચારમાં વ્યસ્ત છે. એણે ટ્વિટર પર ઉપર મુજબની ઈચ્છા વ્યક્ત કરી છે. રણબીર સામાન્ય રીતે સોશિયલ મિડિયાથી અંતર રાખતો આવ્યો છે, પણ ફાધર્સ ડેની ઉજવણી કરવા અને પોતાના પ્રશંસકો સાથે વાતચીત કરવા માટે એણે ફોક્સ સ્ટાર હિન્દીના ટ્વિટર એકાઉન્ટ પર હાજરી આપી હતી.

એણે ટ્વીટ્સ અને વિડિયો ઝલકો મારફત આવેલા સવાલોના જવાબ આપ્યા હતા. ‘શું તું ટ્વિટર પર જોડાઈશ ખરો?’ ત્યારે જવાબમાં રણબીરે કહ્યું કે, ‘ક્યારેય નહીં. હું અત્યારે ખૂબ આનંદમાં રહું છું.’

‘પડદા પર તને પિતાનો રોલ કરવાનું કહેવામાં આવે તો ભજવે ખરો?’ તો એના જવાબમાં રણબીરે કહ્યું કે, ”સંજુ’માં હું પિતા બન્યો છું. અને પડદા પર આ બીજી વાર બન્યો છું. અગાઉ ‘અન્જાના અન્જાની’માં એક તદ્દન નાનકડું દ્રશ્ય હતું. ‘સંજુ’માં હું સંજય દત્તના બાળકોના પિતાનો રોલ કરી રહ્યો છું. પણ મારી ઈચ્છા એવી છે કે કોઈક એવી ફિલ્મમાં કામ કરવા મળે જેમાં મારો આખો જ રોલ પિતા તરીકેનો હોય.’

સંજય દત્તના જીવન પરથી બનેલી ‘સંજુ’ ફિલ્મમાં રણબીરે સંજય દત્તનો રોલ કર્યો છે જ્યારે સંજયના પિતા સુનીલ દત્તનો રોલ પરેશ રાવલે કર્યો છે.

‘યે જવાની હૈ દીવાની’, ‘રોકસ્ટાર’, ‘બરફી’, ‘તમાશા’ ફિલ્મોના અભિનેતા રણબીરની ‘સંજુ’ ફિલ્મ 29 જૂને રિલીઝ થવાની છે.