મુંબઈઃ નવા વર્ષ 2021ના આજે પહેલા દિવસે હિન્દી કટાક્ષ-કોમેડી ફિલ્મ ‘રામપ્રસાદ કી તેરહવી’ થિયેટરોમાં રિલીઝ થઈ છે. ઘણી ફિલ્મો આ વર્ષમાં થિયેટરોમાં રિલીઝ થવાની રાહ જોઈ રહી છે. અભિનેત્રી સીમા પાહવાએ દિગ્દર્શિકા તરીકે પહેલી જ વાર બનાવેલી ‘રામપ્રસાદ કી તેરહવી’ ફિલ્મ ઘણા પરિવારોમાં જોવા મળતા બનાવટી સ્નેહ, થોપવામાં આવેલા કર્તવ્યો, પૂર્વગ્રહો, આશા અને ફરજનો અરિસો બતાવે છે. ‘રામપ્રસાદ કી તેરહવી’નું ટ્રેલર થોડાક દિવસો પહેલાં રિલીઝ કરાયું હતું અને એને સોશિયલ મિડિયા પર ઘણો સારો પ્રતિસાદ મળ્યો હતો. ફિલ્મમાં નસીરુદ્દીન શાહ, સુપ્રિયા પાઠક, કોંકણા સેન-શર્મા, પરમબ્રત ચેટર્જી, વિનય પાઠક, વિક્રાંત મેસ્સી, મનોજ પાહવા જેવા કલાકારો છે.
ફિલ્મમાં રામપ્રસાદ (નસીરુદ્દીન શાહ)નું મૃત્યુ થાય છે. ક્રિયાકર્મ બાદ પરિવારજનો ઘેર પાછા ફરે છે. રામપ્રસાદના તેરમા સુધી પરિવારજનો સાથે રહે છે, પણ એ દરમિયાન ઘરમાં ઘણી ઉથલપાથલ મચે છે. રામપ્રસાદના અવસાનથી પરિવાર દુઃખી નથી. દરેક જણ પોતપોતાના કામમાં વ્યસ્ત હોય છે. દરમિયાન, પરિવારજનો નવા વર્ષમાં રામપ્રસાદનું તેરમું યોજવાની વાતો કરે છે. રામપ્રસાદની પત્ની (સુપ્રિયા પાઠક) પરિવારને જોઈને દુઃખી છે. એ કહે છે, ઘરમાં મૃત્યુ થયું છે, પણ એવું લાગે છે જાણે લગ્નનો જલસો છે.