પ્રિયંકાનો પતિ નિક બાઈક અકસ્માતમાં ઘાયલ થયો

લોસ એન્જેલીસઃ બોલીવુડની દેસી ગર્લ પ્રિયંકા ચોપરાનો અમેરિકન પતિ નિક જોનસ અમેરિકામાં એક બાઈક અકસ્માતમાં ઘાયલ થયાનો એક વિડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થયો છે. ખુદ નિકે જ સોશિયલ મિડિયા પર જાણકારી આપી છે કે પોતે એક બાઈક અકસ્માતમાં ઘાયલ થયો હતો, પાંસળીમાં માર વાગ્યો છે અને હાલ તે સારવાર લઈ રહ્યો છે. નિક અને પ્રિયંકાનાં પ્રશંસકો નિક જલદી સાજો થઈ જાય એવી શુભેચ્છા વ્યક્ત કરી રહ્યાં છે.

વિડિયોમાં નિક એના બે ભાઈ (જૉ અને કેવિન) સાથે બાઈક રેસ કરતો દેખાય છે. રેસ દરમિયાન એક અવરોધ આવતા નિક બાઈક પરથી પડી જાય છે અને એ સાથે એના બંને ભાઈની સાઈકલ પણ અથડાતાં તેઓ પણ પડી જાય છે. તે પછી એક એમ્બ્યુલન્સ આવે છે અને નિકને ખુરશી પર બેસાડીને લઈ જવામાં આવે છે. પ્રશંસકોની સાથે પ્રિયંકાએ પણ નિકના સ્વાસ્થ્ય માટે એક ભાવુક નોટ પોસ્ટ કરી છે. એણે લખ્યું છેઃ ‘તૂટેલી પાંસળી પણ કુદરતની આ તાકાતને રોકી શકતી નથી. તું જે પણ કરે છે, મને એની પર ગર્વ છે. હું તને બેહદ પ્યાર કરું છું.’ પ્રિયંકા પાસે હાલ અમુક હોલીવુડ પ્રોજેક્ટ્સ છે અને એમાં તે વ્યસ્ત છે. હાલમાં તે ‘ધ વ્હાઈટ ટાઈગર’ (રાજકુમાર રાવ) અને ‘ધ સ્કાઈ ઈઝ પિન્ક’ (ફરહાન અખ્તર)માં જોવા મળી હતી. પ્રિયંકા અને નિકે 2018ની બીજી ડિસેમ્બરે જોધપુરમાં ભવ્ય સમારંભમાં લગ્ન કર્યાં હતાં.