પ્રતિક-પત્રલેખા બનશે મહાત્મા ફૂલે-સાવિત્રીબાઈ ફૂલે

મુંબઈઃ પ્રતિક ગાંધી અને પત્રલેખાને મુખ્ય ભૂમિકાઓમાં ચમકાવતી હિન્દી ફીચર ફિલ્મ ‘ફૂલે’નું પોસ્ટર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. જાણીતા અભિનેતા અને દિગ્દર્શક અને નિર્માતા અનંત મહાદેવન મહારાષ્ટ્રના સમાજસુધારક મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને એમના પત્ની સાવિત્રીબાઈ ફુલેનાં જીવન પર આધારિત હિન્દી ફિલ્મ બનાવી રહ્યા છે. ફિલ્મમાં પ્રતિક ગાંધી જ્યોતિરાવ ફૂલે અને પત્રલેખા સાવિત્રીબાઈની ભૂમિકા ભજવશે.

મહાત્મા જ્યોતિરાવ સમાજ સેવક હતા. તેમણે અને એમની પત્નીએ સાથે મળીને સમાજમાં રહેલા જાતિવાદના દૂષણ વિરુદ્ધ જંગ આદર્યો હતો. તેઓ કન્યા શિક્ષણ પદ્ધતિના પણ હિમાયતી હતાં. આજે મહાત્મા ફૂલેની 195મી જન્મતિથિ નિમિત્તે ‘ફુલે’ ફિલ્મનું ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. તેમાં પ્રતિક અને પત્રલેખા અનુક્રમે મહાત્મા ફૂલે અને સાવિત્રીબાઈ તરીકે ખૂબ જ જામે છે. ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થવાની ધારણા છે. પ્રતિકે એક નિવેદનમાં કહ્યું છે કે, મહાત્મા ફૂલેના વારસાને દુનિયા સમક્ષ પ્રસ્તુત કરવો તે ખરેખર ગૌરવની વાત કહેવાય. ‘ફૂલે’ મારી કારકિર્દીની પહેલી જ જીવનચરિત્ર આધારિત ફિલ્મ છે. મહાત્મા ફૂલે દેશના પ્રેરણામૂર્તિ સમાન આગેવાન હતા. આ મારો ડ્રીમ રોલ છે અને ફિલ્મનું શૂટિંગ શરૂ થાય એ માટે હું આતુર છું.’