પ્રભાસ-દીપિકાની જોડી પહેલી જ વાર ચમકશે રૂપેરી પડદા પર

મુંબઈઃ ભારતીય ફિલ્મ જગતના વર્તમાન બે સુપરસ્ટાર્સનું મિલન થઈ રહ્યું છે. દક્ષિણની ફિલ્મોના સુપરસ્ટાર પ્રભાસ અને હિન્દી ફિલ્મોની ટોચની અભિનેત્રી દીપિકા પદુકોણ પહેલી જ વાર ફિલ્મમાં સાથે ચમકવાના છે.

રૂપેરી પડદા પર બંનેની જોડી પહેલી જ વાર જોવા મળશે. નવી ફિલ્મ તેલુગુ હશે અને એને હિન્દી અને તામિલ ભાષામાં પણ ડબ કરવામાં આવશે.

પ્રભાસ અને દીપિકા અભિનીત ફિલ્મ સાયન્સ-ફિક્સન હશે. આ ફિલ્મનું શિર્ષક હજી નક્કી કરવામાં આવ્યું નથી, પરંતુ પ્રભાસની એ 21મી ફિલ્મ હશે. તેમજ એ મોટા બજેટવાળી હશે.

આ જાહેરાત વૈજયંતિ મૂવીઝ દ્વારા આજે કરવામાં આવી છે. નવી ફિલ્મનું દિગ્દર્શન નાગ અશ્વિન સંભાળશે, જેમણે રાષ્ટ્રીય એવોર્ડવિજેતા ફિલ્મ ‘મહાનટી’ બનાવી છે.

નાગ અશ્વિને પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, ‘હું નવી ફિલ્મમાં દીપિકાને એ પાત્ર ભજવતી જોવા માટે બહુ ઉત્સાહિત છું. આ કંઈક એવું છે જે આ પહેલાં કોઈ મુખ્યધારાની અભિનેત્રીએ કર્યું નથી. આ સૌને માટે એક સરપ્રાઈઝ હશે. ફિલ્મમાં દીપિકા અને પ્રભાસની જોડી મુખ્ય ભૂમિકામાં હશે. મારું માનવું છે કે ફિલ્મની વાર્તા લાંબા સમય સુધી દર્શકોને યાદ રહી જશે.’

ફિલ્મના સહ-નિર્માતાઓ છે – સ્વપ્ના દત્ત અને પ્રિયંકા દત્ત.

બીજી બાજુ, વૈજયંતિ મૂવીઝે ટ્વિટર પર ઈન્ટ્રો વિડિયો દ્વારા પોતાની નવી ફિલ્મની જાહેરાત કરી છે. એમાં તેણે દીપિકાને વેલકમ કરી છે અને લખ્યું છે કે, ‘વીતી ગયેલા વર્ષોમાં અમને ઘણી અસાધારણ મહિલાઓ (શ્રીદેવી, જયાપ્રદા તથા બીજી અનેક મોટી હિરોઈનનાં નામ આવે છે)ની સાથે કામ કરવાનો મોકો મળ્યો છે. હવે અમે અમારી 50 વર્ષની સફરમાં વેલકમ કરીએ છીએ દીપિકા પદુકોણને – પ્રભાસની સાથે.’

નિર્માતા અને વૈજયંતિ મૂવીઝનાં સ્થાપક અશ્વનિ દત્તે કહ્યું છે કે આ ફિલ્મ અમારે માટે ભારતીય સિનેમાના ઈતિહાસમાં પોતાનું સ્થાન જમાવવાની સુવર્ણ તક સમાન છે. આ એવી ફિલ્મ હશે જેને દર્શકોએ અગાઉ ક્યારેય જોઈ નહીં હોય. આમાં અત્યંત ટેલેન્ટેડ કલાકારો સાથે જોવા મળશે.

https://www.instagram.com/p/CCz-4dCHYTw/

વૈજયંતિ મૂવીઝના આ ટ્વીટના જવાબમાં દીપિકાએ પણ ટ્વીટ કર્યું અને લખ્યું છે કે, ‘અત્યંત રોમાંચક!… આ આશ્ચર્યજનક સફર શરૂ કરવા માટે હું હવે વધારે રાહ જોઈ શકું એમ નથી.’

https://twitter.com/deepikapadukone/status/1284735869522518017

‘બાહુબલી’ ફિલ્મની જબ્બર સફળતા બાદ પ્રભાસે હવે હિન્દી ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું છે. જોકે એની ‘સાહો’ ફિલ્મ ફ્લોપ ગઈ હતી. એમાં તેની હિરોઈન શ્રદ્ધા કપૂર હતી. હાલ પ્રભાસની એક હિન્દી ફિલ્મનું શૂટિંગ ચાલુ છે ‘રાધે શ્યામ’, જેમાં એની હિરોઈન પૂજા હેગડે છે.

દીપિકા છેલ્લે ‘છપ્પાક’ ફિલ્મમાં જોવા મળી હતી.