અશ્લીલ વિડિયો-શૂટ બદલ પૂનમ પાંડેની ગોવામાં ધરપકડ

પણજીઃ વિવાદાસ્પદ અભિનેત્રી પૂનમ પાંડેએ પોતાને મુશ્કેલીમાં મૂકી દીધી છે. રાજ્યમાં એક સરકારી માલિકીની સંપત્તિમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને અને ત્યાં અશ્લીલ વિડિયો શૂટ કરવા બદલ ગોવા પોલીસે આજે એની ધરપકડ કરી હતી.

ફિલ્મના શૂટિંગ માટે સરકારી યંત્રણાનો દુરુપયોગ કરાયો હોવાની દક્ષિણ ગોવાના કેનાકોના નગરના અનેક નાગરિકોએ ફરિયાદ કર્યા બાદ બે પોલીસ જવાનને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે.

પૂનમ ઉત્તર ગોવામાં આવેલા સિન્ક્વેરીમ વિસ્તારમાં એક ફાઈવ-સ્ટાર હોટેલમાં રહે છે. કાલંગૂટ વિસ્તારની એક પોલીસ ટૂકડીએ આજે બપોરે તે હોટેલ પર જઈને પૂનમની ધરપકડ કરી હતી અને એને કેનાકોના પોલીસને હવાલે કરી હતી.

પૂનમને પૂછપરછ માટે અટકમાં લેવામાં આવી છે, એમ પોલીસ અધિકારીએ કહ્યું છે.

પૂનમે કેનાકોના નગરમાં ચાપોલી ડેમ ખાતે જઈને એક વિડિયો ફિલ્મનું શૂટિંગ કર્યું હતું, જે અશ્લીલ હતું. આ ડેમની સંભાળ લેનાર રાજ્યના પાણી સાધન વિભાગે કરેલી ફરિયાદને પગલે પૂનમની ધરપકડ કરવામાં આવી છે.

ફિલ્મનું શૂટિંગ કરવા માટે પૂનમ અને તેના ક્રૂ મેમ્બર્સને રક્ષણ પૂરું પાડનાર પોલીસ અધિકારીઓ સામે પગલાં લેવાની માગણી સાથે કેનાકોના નગરના અનેક રહેવાસીઓએ આજે બંધનું એલાન કર્યું હતું. બાદમાં, સંબંધિત પોલીસ જવાનોને સસ્પેન્ડ કરી દેવામાં આવશે એવી રાજ્યના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે ખાતરી આપ્યા બાદ કેનાકોના નગરના રહેવાસીઓએ બંધની હાકલ પાછી ખેંચી હતી.

પોલીસે બાદમાં કહ્યું કે રાજ્યના ગૃહ વિભાગે પોલીસ ઈન્સ્પેક્ટર તુકારામ ચવાણ તથા એક કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધા છે અને એમની સામે તપાસ શરૂ કરી છે.

સરકારી સંપત્તિ પર ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી, ત્યાં અશ્લીલ વિડિયોનું શૂટિંગ કરવા અને એને સર્ક્યૂલેટ કરવા બદલ રાજ્યના જળ સાધન વિભાગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.