મહારાષ્ટ્રમાં 50% ક્ષમતા સાથે થિયેટરો ફરી ખોલવાની છૂટ

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં કન્ટેનમેન્ટ ઝોન્સની બહારના સિનેમાગૃહો, નાટ્યગૃહો અને મલ્ટીપ્લેક્સીસને આવતીકાલ, 5 નવેમ્બર, ગુરુવારથી ફરી ખોલવાની પરવાનગી આપી છે. સરકારે કોરોના વાઈરસ રોગચાળો ફેલાયાના આઠ મહિના પછી થિયેટરોને ફરી ખોલવાની પરવાનગી આપી છે. પરંતુ એવી શરત મૂકી છે કે રોગચાળો હજી દૂર થયો ન હોવાથી 50 ટકા દર્શકોને જ અંદર આવવા દેવાના અને સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમનું પાલન કરવું. 50 ટકા સીટ ખાલી રાખવી.

સરકારી નોટિફિકેશનમાં જણાવાયું છે કે કેન્દ્ર સરકારની ‘અનલોક 5.0’ ગાઈડલાઈન્સ અંતર્ગત દર્શકોને થિયેટરો, નાટ્યગૃહો, મલ્ટીપ્લેક્સીસની અંદર ખાદ્યપદાર્થો લઈ જવાની પરવાનગી રહેશે નહીં.

ગુજરાત, દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં ગઈ 15 ઓક્ટોબરથી થિયેટરો ફરી ખોલવાની પરવાનગી આપવામાં આવી હતી.

સિનેમા હોલ્સમાં શો ટાઈમિંગ એકસામટા રાખવા નહીં, કર્મચારીઓ માટે થર્મલ સ્ક્રીનિંગ, પીપીઈ જેવા પ્રોટેક્શન ગીયરની વ્યવસ્થા કરવી તથા કોરોના સામે કેન્દ્ર સરકારે જાહેર કરેલી આરોગ્ય સુરક્ષા સાવચેતીઓનું પણ કડક રીતે પાલન કરવું એવી પણ શરતો રાખવામાં આવી છે.

તે ઉપરાંત ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ્સના ઉપયોગને ઉત્તેજન આપવા પણ સિનેમાગૃહોને જણાવાયું છે. સિંગલ-સ્ક્રીન થિયેટરો માટે બોક્સ ઓફિસ ખાતે કાઉન્ટરોની સંખ્યા વધારવાનું પણ જણાવાયું છે.

જે ખાદ્યપદાર્થો થિયેટરોમાં વેચવા-પીરસવામાં આવે એને તે ગ્રાહકને આપવામાં આવે તે પૂર્વે અમુક મિનિટ સુધી મશીનમાં યૂવી કિરણો હેઠળ સ્ટરીલાઈઝ કરવાના રહેશે.

દરમિયાન, મહારાષ્ટ્ર સરકારે ખેલાડીઓની તાલીમ માટે સ્વિમિંગ પૂલ ફરી ખોલવાની પણ પરવાનગી આપી છે. આ જ રીતે, કન્ટેનમેન્ટ ઝોન્સની બહાર આવેલી યોગા ઈન્સ્ટિટ્યૂટ્સ અને બેડમિન્ટન કોર્ટ્સ, ટેનિસ કોર્ટ વગેરે સહિત ઈન્ડોર રમતો માટે પણ પરવાનગી આપી છે.