પાકિસ્તાની એક્ટર મોઅમ્મર રાણાએ પોડકાસ્ટમાં પ્રિયંકા ચોપરાનું અપમાન કર્યું

મુંબઈઃ પાકિસ્તાનના ફિલ્મ અભિનેતા મોઅમ્મર રાણા અને યૂટ્યૂબર નાદિર અલીએ એક પોડકાસ્ટમાં બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા-જોનસનાં રંગ વિશે એને ‘ભયાનક’, ‘મેડ’ અને ‘કાલા નમક’ કહીને એની મજાક ઉડાવી હતી. ઈન્ટરનેટ, સોશિયલ મિડિયા પર આ બંનેની ખૂબ ઝાટકણી કાઢવામાં આવી રહી છે. એક યૂઝરે લખ્યું છે, પ્રિયંકાની અડધી સંપત્તિ તમારા પાકિસ્તાનના કુલ જીડીપી જેટલી છે. બીજા એક યૂઝરે લખ્યું છે, પ્રિયંકા આ બંને કરતાં ઘણી વધારે સફળ અને ટેલેન્ટેડ છે.

રાણા અને નાદિરે અન્ય બોલીવુડ અભિનેત્રી અમીષા પટેલની પણ મજાક ઉડાવી હતી.

નાદિરે જ્યારે પૂછ્યું કે, ‘તારા મતે ભારતમાં કઈ અભિનેત્રી ભયંકર છે?’ ત્યારે રાણાએ કહ્યું, ‘પ્રિયંકા ચોપરા… મને એની ત્યારે ખબર પડી હતી જ્યારે મેં પ્રિયંકા ચોપરાને જોઈ હતી. હું એને ઓળખતો નહોતો. એક કાર્યક્રમમાં એ મારી જમણી બાજુએ બેઠી હતી. એવામાં મારી ડાબી બાજુમાં મારો એક ઓળખીતો આવીને બેઠો. એ બેઉ જણ એકબીજાંને ઓળખતાં હતાં અને વાતો કરવા લાગ્યાં. હું ઘડીકમાં આગળ જાઉં, ઘડીકમાં પાછળ જાઉં. થોડીક વાર રહીને જમણી બાજુમાં બેઠેલી સ્ત્રી ઉઠીને જતી રહી. એ પછી મેં મારી બાજુમાં બેઠેલાને પૂછ્યું કે, ‘એ કોણ હતી?’ ત્યારે એણે કહ્યું, ‘અરે તેં એને ન ઓળખી? એ પ્રિયંકા ચોપરા હતી.’ સાંભળીને પ્રિયંકા પ્રત્યે મારું જે ક્રશ હતું એ… મને થયું ભાડમાં જાય…’ એ સાંભળીને નાદિરે પ્રિયંકા માટે ‘કાલા નમક’ શબ્દ ઉચ્ચાર્યો હતો. બાદમાં રાણાએ અમીષા પટેલને સુંદર કહી હતી. એ સાંભળીને નાદિરે કહ્યું, ‘ચેહરા ક્યા દેખતો હો, દિલ મેં ઉતર કર દેખો…’ ત્યારે રાણાએ જવાબમાં કહ્યું, ‘શું હું અહીંયા બધું કહું?’

એક યૂઝરે નાદિર વિશે લખ્યું છે, ‘આ નાદિર અલી બહુ જ વાયડો છે.’ બીજા એક જણે લખ્યું, ‘સાચી વાત છે. કાલા નમક શબ્દ અપમાનજનક છે.’ એક અન્ય યૂઝરે કમેન્ટમાં લખ્યું છે, ‘ઘટિયા ટાઈપના લોકો એન્કર બની જાય છે. આજકાલ દરેક બેરોજગાર વ્યક્તિ પોડકાસ્ટ શરૂ કરે છે અને એવા લોકોની ટીકા કરે છે જેમણે જીવનમાં કંઈક સિદ્ધ કરી બતાવ્યું હોય છે. આવા લોકો જેવા કંઈ હોતા નથી.’