ઓસ્કર-વિજેતા નિર્દેશિકા કાર્તિકી ગોન્સાલ્વિઝને બોલીવુડમાં રસ નથી

ચેન્નાઈઃ શોર્ટ ડોક્યૂમેન્ટરી ‘ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ’ માટે આ વર્ષનો ઓસ્કર એવોર્ડ જીતનાર નિર્દેશિકા કાર્તિકી ગોન્સાલ્વિઝને કમર્શિયલ ફિલ્મનિર્માણ ક્ષેત્રમાં ઝંપલાવવામાં દિલચસ્પી નથી.

એક મુલાકાતમાં એમણે કહ્યું, ‘કમર્શિયલ ફિલ્મો બનાવવાનું હું ખરેખર વિચારતી પણ નથી. હું એક નેચરલ હિસ્ટરી ફોટોગ્રાફર છું એટલે મને ડોક્યૂમેન્ટરી ફિલ્મો બનાવવાનું જ ગમે છે.’

‘ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ’ એક ભાવનાત્મક ફિલ્મ છે. એમાં અનાથ થઈ ગયેલા એક હાથીના બચ્ચા અને એક આદિવાસી દંપતી વચ્ચે લાગણીના અતૂટ બંધનની વાર્તા છે.