નીના ગુપ્તાનું સપનું સાકાર: ‘ગુડબાય’માં અમિતાભની પત્ની

મુંબઈઃ અમિતાભ બચ્ચન એક નવી ફિલ્મમાં જોવા મળશે, જેનું શિર્ષક છે ‘ગુડબાય’. આ ફિલ્મ માટે પીઢ અભિનેત્રી નીના ગુપ્તાને પણ સાઈન કરવામાં આવ્યાં છે. એ બિગ બીના પત્નીનો રોલ કરશે. આ ફિલ્મમાં દક્ષિણ ભારતીય ફિલ્મોની ટોચની હિરોઈન રશ્મિકા મંદાના પણ છે. નીના ગુપ્તા આ પહેલી જ વાર અમિતાભ સાથે ફિલ્મમાં કામ કરતાં જોવા મળશે.

નીના ગુપ્તાએ કહ્યું છે કે, ‘ફિલ્મના પડદા પર અમિતાભની પત્નીનો રોલ મળતાં મારું સપનું સાકાર થયું છે.’ આ ફિલ્મનો મુહૂર્ત શોટ ગઈ 4 એપ્રિલે મુંબઈમાં ફિલ્માવવામાં આવ્યો હતો. અમિતાભ પણ એમાં સામેલ થયા હતા. બાલાજી ટેલીફિલ્મ્સ અને રિલાયન્સ એન્ટરટેનમેન્ટ નિર્મિત આ ફિલ્મના દિગ્દર્શક છે વિકાસ બહલ, જેમણે આ પહેલાં ‘લૂટેરા’, ‘ઉડતા પંજાબ’, ‘સુપર 30’ ફિલ્મો બનાવી હતી. 2018માં, ‘બધાઈ હો’ ફિલ્મ જોઈને અમિતાભ બચ્ચને નીના ગુપ્તાનાં અભિનયની પ્રશંસા કરી હતી અને એક હસ્તલિખિત નોંધ પણ નીનાને મોકલી હતી. નીના ગુપ્તાની આગામી ફિલ્મો છે – ’83, જેમાં રણવીર સિંહ અને દીપિકા પદુકોણ છે જ્યારે ‘સરદાર કા ગ્રાન્ડસન’માં અર્જૂન કપૂર અને રકુલપ્રીત સિંહ છે.