ન્યાયમૂર્તિ રમના દેશના નવા ચીફ જસ્ટિસ નિમાયા

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભારતના નવા, 48મા વડા ન્યાયમૂર્તિ તરીકે ન્યાયમૂર્તિ એન.વી. (નથાલપતિ વેંકટ) રમનાની આજે નિમણૂક કરી છે. જસ્ટિસ રમના આવતી 24 એપ્રિલથી આ હોદ્દો સંભાળશે. તેઓ જસ્ટિસ શરદ બોબડેના અનુગામી બનશે, જેમની મુદત 23 એપ્રિલે પૂરી થાય છે. દેશના નવા વડા ન્યાયમૂર્તિ તરીકે જસ્ટિસ રમનાની નિમણૂક કરવાની ભલામણ જસ્ટિસ બોબડેએ જ કેન્દ્રીય કાયદા મંત્રાલયને કરી હતી. ન્યાયમૂર્તિ બોબડે બાદ ન્યાયમૂર્તિ રમના સુપ્રીમ કોર્ટના બીજા નંબરના વરિષ્ઠ જજ છે. તેમની નવી નિમણૂકની જાહેરાત કરતો પત્ર સુપરત કરી દેવામાં આવ્યો છે.

ન્યાયમૂર્તિ કિસાન પરિવારમાંથી આવે છે. એ આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લાના પોન્નવરમ ગામના વતન છે. એ સાહિત્યમાં રુચિ ધરાવે છે અને એમને કર્ણાટક સંગીત પણ બહુ પસંદ છે. એમણે 2013માં આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે સેવા બજાવી હતી. 2014ના ફેબ્રુઆરીથી એ સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે સેવા બજાવતા આવ્યા છે. એમણે થોડાક સમય માટે તેલુગુ ભાષાના એક અગ્રગણ્ય અખબારમાં પત્રકાર તરીકે પણ કામ કર્યું હતું અને બાદમાં લૉયર બન્યા હતા.