ઈદ મનાવવા વતન પહોંચેલા નવાઝુદ્દીન સિદ્દીકી 14-દિવસ સુધી ક્વોરન્ટાઈન

નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાઈરસના આતંકને ધ્યાનમાં રાખીને લોકડાઉન 31 મે સુધી લંબાવામાં આવ્યું છે. બોલીવુડના જાણીતા એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી એમના પરિવારજનો સાથે ઈદના તહેવારની ઉજવણી કરવા માટે લોકડાઉન વચ્ચે મુંબઈથી ઉત્તર પ્રદેશના બુધના ગામમાં પહોંચ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, ઉત્તર પ્રદેશના પ્રવાસને કારણે નવાઝુદ્દીન અને તેનો પરિવારને બુધનામાં 14 દિવસ માટે ક્વૉરન્ટીન રહેશે. નવાઝુદ્દીન તથા એમના પરિવારજનોનું મેડિકલ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું અને તેમનો કોરોનાનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો.

નવાઝુદ્દીને ટ્રાવેલ પાસ લીધો હતો અને તે 12 મેના રોજ પરિવારજનો સાથે મુંબઈથી નીકળ્યા હતા. હવે એ તમામને 14 દિવસ સુધી ક્વૉરન્ટીન થવાનું કહેવામાં આવ્યું છે. નવાઝુુદ્દીનની સાથે એમના માતા, ભાઈ તથા ભાભી પણ હતાં. નવાઝુદ્દીને કહ્યું કે મુંબઈથી યૂપી સુધીના પ્રવાસમાં 25 વખત તેમનું મેડિકલ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે આ પરિવાર તેમના વતનમાં ઈદની ઉજવણી કરવા માટે આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, નવાઝુદ્દીન સિદ્દીકીની આગામી ફિલ્મ ‘ધૂમકેતુ’નું ટીઝર હાલમાં રિલીઝ કરાયું હતું. કોમેડી અને ડ્રામાથી ભરપૂર ટીઝર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે. નવાઝુદ્દીન સિદ્દીકીની આ ફિલ્મ 22 મેના રોજ ડિજિટલ પ્લેટફોર્મ ઝી5 પર રિલીઝ થવાની છે.