મુંબઈ – બોલીવૂડ કલાકારો – તનુશ્રી દત્તા અને નાના પાટેકરને સંડોવતા જાતીય સતામણીના પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. પાટેકરના વકીલે આજે અભિનેત્રી તનુશ્રીને કાનૂની નોટિસ મોકલી છે.
ફર્સ્ટપોસ્ટના અહેવાલ અનુસાર, નાનાનાં વકીલ રાજેન્દ્ર શિરોડકરે કહ્યું છે કે તનુશ્રીને લીગલ નોટિસ મોકલી દેવામાં આવી છે અને એને આજે જ એ મળી જશે. નોટિસમાં રાબેતા મુજબની છે, જેમાં એને જણાવાયું છે કે તેં કરેલા આરોપને નકારી કાઢ અને માફી માગ.
શિરોડકરે કહ્યું કે, તનુશ્રી આટલા વર્ષો બાદ શા માટે આવું બોલે છે એ મને સમજાતું નથી, પરંતુ એમાં એનાં કોઈક કારણો હશે. નાના પાટેકર હાલ મુંબઈમાં નથી. એ પરત પાછા ફર્યા બાદ પત્રકાર પરિષદ બોલાવશે. એ કહે એ જ ખરું. મોટે ભાગે એ મંગળવારે મુંબઈ આવી જશે.
તનુશ્રીનાં પિતાનો દાવો છે, જો પોલીસે પગલું ભર્યું હોત તો નાના પાટેકર જેલમાં જાત
પોતાની પુત્રી તનુશ્રીએ નાના પાટેકર વિરુદ્ધ કરેલા જાતીય સતામણીના આરોપ મામલે તનુશ્રીનાં પિતા તપન દત્તાએ પહેલી વાર મૌન તોડ્યું છે અને જણાવ્યું છે કે જો મુંબઈ પોલીસે એ જ વખતે આરોપી નાના સામે પગલું ભર્યું હોત તો નાના પાટેકરને જેલમાં જવું પડ્યું હોત.
તપન દત્તાએ વધુમાં કહ્યું છે કે તનુશ્રીએ નોંધાવેલી પોલીસ એફઆઈઆરની વિગતની મને જાણકારી નથી.
2008માં તનુશ્રી સાથે દુર્વ્યવહાર તથા બાદમાં એની કાર પર કેટલાક ગુંડાઓએ કરેલા હુમલાની ઘટના વખતે તનુશ્રીનાં માતા-પિતા ફિલ્મના સેટ પર હાજર હતા.