ક્રિષ્ના રાજ કપૂરનાં શીખ, હિન્દુ રિવાજ અનુસાર અંતિમ સંસ્કાર કરાયા

મુંબઈ – આજે વહેલી સવારે લગભગ ચાર વાગ્યાના સુમારે હૃદય બંધ પડી જવાથી અવસાન પામેલાં ક્રિષ્ના રાજ કપૂરનાં આજે બપોરે ચેમ્બૂર સ્થિત સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

ક્રિષ્નાનાં શીખ અને હિન્દુ વિધિનુસાર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. એમનાં મોટા પુત્ર રણધીર કપૂરે અગ્નિદાહ આપ્યો હતો.

દંતકથા સમાન અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા સ્વ. રાજ કપૂરના પત્ની ક્રિષ્નાને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ આજે અશ્રુભીની વિદાય આપી હતી.

87 વર્ષનાં ક્રિષ્ના રાજ કપૂરને છેલ્લા કેટલાક વખતથી શ્વાસની બીમારી હતી.

ક્રિષ્નાએ 1946માં રાજ કપૂર સાથે લગ્ન કર્યાં હતાં.

એમનાં પાર્થિવ શરીરને ચેમ્બૂરમાં કપૂર પરિવારના ફિલ્મ સ્ટુડિયો RK સ્ટુડિયોમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. બાદમાં ત્યાંથી પુષ્પોથી શણગારેલી શબવાહિની દ્વારા સ્મશાનભૂમિ ખાતે લઈ જવામાં આવ્યો હતો.

અંતિમ વિધિ રણધીર કપૂર ઉપરાંત એમના નાના ભાઈ રાજીવ કપૂર તેમજ અન્ય પરિવારજનો – કરીના કપૂર-ખાન, રિધીમા કપૂર-સાહની, રીમા જૈન, અમાન જૈન અને આદર જૈન, કરણ કપૂર ઉપસ્થિત રહ્યાં હતાં.

રિશી કપૂર અને એમના પત્ની નીતૂ તથા પુત્ર રણબીર કપૂર હાજર નહોતાં, કારણ કે રિશીને મેડિકલ સારવાર માટે અમેરિકા જવું પડ્યું છે.

અંતિમ યાત્રામાં અને સ્મશાનભૂમિ ખાતે અંતિમ સંસ્કાર વખતે સૈફ અલી ખાન, અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, અનિલ કપૂર, આમિર ખાન, સંજય કપૂર, અનિલ અંબાણી, કરણ જોહર, આલિયા ભટ્ટ, બોની કપૂર, અયાન મુખરજી, અર્જૂન કપૂર, ફરહાન અખ્તર સહિત બોલીવૂડની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી.

તે પહેલાં, ચેંબૂર સ્થિત બંગલામાં ક્રિષ્નાનાં અંતિમ દર્શન કરવા ગયેલાઓમાં જયા બચ્ચન, શ્વેતા બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, વરુણ ધવન, સંજય દત્ત, માન્યતા દત્ત, ફરાહ ખાન, અમ્રિતા અરોરા, અનુ મલિક, જિતેન્દ્ર, રાકેશ રોશન, પ્રિયા દત્ત, ડેની ડેન્ઝોંગ્પા, પ્રેમ ચોપરાનો સમાવેશ થાય છે.