બોલીવૂડ હસ્તીઓના નિવાસો પર આવકવેરાના દરોડા

મુંબઈઃ આવકવેરા વિભાગના અધિકારીઓએ ઉદ્યોગપતિ અનિલ અંબાણીની રિલાયન્સ એન્ટરટેનમેન્ટ કંપનીની અત્રેની ઓફિસમાં ઝડતીની કાર્યવાહી હાથ ધરી હતી. અગાઉ સવારે, આવકવેરા વિભાગે બોલીવૂડ નિર્માતા અનુરાગ કશ્યપ, અભિનેત્રી તાપસી પન્નૂ અને નિર્માતા વિકાસ બહલના અત્રેના નિવાસસ્થાનો ખાતે દરોડા પાડ્યા હતા. આ દરોડા કશ્યપ, દિગ્દર્શક વિક્રમાદિત્ય મોટવાને, નિર્માતા મધુ મન્ટેના અને બહલે સ્થાપેલી ફિલ્મ નિર્માણ અને વિતરણ કંપની ફેન્ટમ ફિલ્મ્સના સંબંધમાં પાડવામાં આવ્યા છે. ફેન્ટમ ફિલ્મ્સ કંપનીની સ્થાપના ઉક્ત ચાર જણે 2011માં કરી હતી, પણ 2018માં તેને બંધ કરી દીધી હતી. આ કંપનીએ કરચોરી કરી હોવાના આરોપસર ઉક્ત હસ્તીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે.

ફેન્ટમ ફિલ્મ્સ કંપનીએ ‘લૂટેરા’, ‘ક્વીન’, ‘અગ્લી’, ‘એનએચ 10’, ‘મસાન’, ‘ઉડતા પંજાબ’ ફિલ્મો બનાવી હતી. કશ્યપે બાદમાં ગૂડ બેડ ફિલ્મ્સ નામની એક નવી નિર્માણ કંપની બનાવી હતી જ્યારે મોટવાનેએ આંદોલન ફિલ્મ્સ નામે અન્ય કંપની બનાવી હતી. તાપસી પન્નૂએ અનેક હિન્દી, તામિલ અને તેલુગુ ફિલ્મોમાં અભિનય કર્યો છે.