‘હું પણ રાજપૂત છું’: બહાદુર કંગના રણૌતે કરણી સેનાને સંભળાવ્યું

મુંબઈ – બોલીવૂડ અભિનેત્રી કંગના રણૌતે રાજપૂત સમાજના એક જૂથ કરણી સેનાને જોરદાર વળતો જવાબ આપ્યો છે અને એવો દાવો કર્યો છે કે પોતાની આગામી હિન્દી ફિલ્મ ‘મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી’ મામલે તેઓ પોતાને હેરાન કરે છે.

આ ફિલ્મ રાણી લક્ષ્મીબાઈનાં જીવન પર આધારિત છે.

કંગનાની આ ફિલ્મ 25 જાન્યુઆરીના આવતા શુક્રવારે રિલીઝ થવાની છે. એ માટે એણે સેન્સર બોર્ડ પાસેથી સર્ટિફિકેટ પણ મેળવી લીધું છે.

કંગનાએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે હું પોતે પણ રાજપૂત સમાજની છું અને જો મારી ફિલ્મની રિલીઝ મામલે મને હેરાન કરવાનું કરણી સેના ચાલુ રાખશે તો હું એનો નાશ કરી દઈશ.

કંગનાએ વધુમાં જણાવ્યું છે કે ચાર ઈતિહાસવિદ્દોએ મણિકર્ણિકા વિશે સહમતી દર્શાવી છે અને સેન્સર બોર્ડે પણ ફિલ્મને પ્રદર્શિત કરવાનું સર્ટિફિકેટ આપી દીધું છે. કરણી સેનાને આ જણાવી દેવામાં આવ્યું છે તે છતાં એમણે મને હેરાન કરવાનું ચાલુ રાખ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ‘મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી’ ફિલ્મ ઝાંસીનાં શાસક રાણી લક્ષ્મીબાઈ વિશેની છે જેમણે 1857માં ઈસ્ટ ઈન્ડિયા કંપની સામે બળવો પોકાર્યો હતો અને ખૂબ બહાદુરીથી એમની સામે લડ્યાં હતાં.

કરણી સેનાની મહારાષ્ટ્ર પાંખે ફિલ્મના નિર્માતાઓને પત્ર લખીને જણાવ્યું છે કે ફિલ્મમાં જો રાણી લક્ષ્મીબાઈની પ્રતિષ્ઠાને ઝાંખી પાડવાનો જો પ્રયાસ કરવામાં આવશે અથવા જો એમને કોઈ બ્રિટિશરનાં પ્રેમમાં પડતાં બતાવવામાં આવશે તો નિર્માતાઓએ પરિણામ ભોગવવા પડશે.

ઉલ્લેખનીય છે કે, રાણી લક્ષ્મીબાઈનું ખરું નામ મણિકર્ણિકા હતું અને એમનો જન્મ વારાણસીમાં રહેતાં મરાઠી પરિવારમાં થયો હતો. બાદમાં એમનાં લગ્ન ઝાંસીનાં રાજા સાથે થયાં હતાં.

કરણી સેનાએ ભૂતકાળમાં પદ્માવત ફિલ્મની રિલીઝ સામે પણ વાંધો ઉઠાવ્યો હતો. દીપિકા પદુકોણને શિર્ષક ભૂમિકામાં ચમકાવનાર પદ્માવત ગયા વર્ષે રિલીઝ કરવામાં આવી હતી. કરણી સેનાનાં માણસોએ તે ફિલ્મના દિગ્દર્શક સંજય લીલા ભણસાલીની મારપીટ કરી હતી અને સેટ પર તોડફોડ કરી હતી તેમજ દીપિકાનું માથું વાઢી નાખવાની ધમકી પણ આપી હતી.

(જુઓ ‘મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી’ ફિલ્મનું ટ્રેલર)

httpss://youtu.be/eBw8SPPvGXQ