પ્લાસ્ટિકને રીસાઈકલ કરવા, રીયૂઝ કરવાની અજય દેવગન, કાજોલની અપીલ

મુંબઈ – રિયલ લાઈફના બોલીવૂડ કલાકાર દંપતી અજય દેવગન અને કાજોલે લોકોને અપીલ કરી છે કે એમણે પ્લાસ્ટિકને રીસાઈકલ કર્યા બાદ એનો ફરીથી ઉપયોગ કરવો જોઈએ.

બંને કલાકાર પતિ-પત્નીએ શનિવારે અહીં માહિમ ખાડી વિસ્તારમાં ‘પ્લાસ્ટિક બનેગા ફેન્ટાસ્ટિક’ ઝુંબેશમાં ભાગ લીધો હતો.

એ પ્રસંગે કાજોલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મુંબઈના રસ્તાઓ, દરિયાકિનારાઓ પર પ્લાસ્ટિકનો જ્યાંત્યાં કચરો પડેલો જોઈને મને દુઃખ થાય છે. આપણે એવું કામ કરીએ કે આપણી આવતીકાલ સુધરી જાય. એવો ડર દર્શાવાયો છે કે 2050ની સાલ સુધીમાં દુનિયામાં દરિયાઓમાં માછલીઓ કરતાં પ્લાસ્ટિકનો કચરો વધી જશે. તેથી એવું ન થાય એ માટે આપણે કંઈક કરવું જોઈએ. આપણે જવાબદાર લોકો તરીકે વર્તવું જોઈએ. આપણે પ્લાસ્ટિકને રીસાઈકલ કરવું જોઈએ અને પછી એનો ફરી ઉપયોગ કરવો જોઈએ.

અજય દેવગને કહ્યું કે ઉજ્જવળ ભવિષ્ય માટે દરેક જણે પોતાનાથી બનતું કરવું જ જોઈએ.

‘પ્લાસ્ટિક બનેગા ફેન્ટાસ્ટિક’ ઝુંબેશ હિન્દુસ્તાન યુનિલીવર કંપનીએ શરૂ કરી છે. આ ઝુંબેશ મુંબઈ, દિલ્હી અને બેંગલુરુમાં ચાર મહિના માટે શરૂ કરાઈ છે. જે દરમિયાન લોકોને પ્લાસ્ટિકને રીસાઈકલ કરી રીયૂઝ કરવા વિશે સમજાવાશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]