મુંબઈ – બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાને એના બનેવી આયુષ શર્મા અને નવોદિત અભિનેત્રી વારિના હુસૈનને ચમકાવતી આગામી હિન્દી ફિલ્મ ‘લવરાત્રી’નું ટાઈટલ વિવાદને પગલે બદલીને ‘લવયાત્રી’ કર્યું છે. તે છતાં એક હિન્દુ કટ્ટરવાદી સંગઠનને આ ટાઈટલ પણ સ્વીકાર્ય નથી.
સનાતન ફાઉન્ડેશન નામની સંસ્થાએ ફિલ્મના શિર્ષકમાં ફેરફાર કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરી છે. એની દલીલ છે કે ફિલ્મનું ટાઈટલ ‘લવરાત્રી’માંથી બદલીને ‘લવયાત્રી’ કરવામાં આવ્યું છે, પરંતુ એને આ નવું ટાઈટલ પણ સ્વીકાર્ય નથી. આ નામ હિન્દુ તહેવાર ‘નવરાત્રી’ જેવું જ છે. આ ટાઈટલથી હિન્દુ લોકોની લાગણી દુભાય છે એટલે ફિલ્મ પર પ્રતિબંધ મૂકવો જોઈએ.
ફિલ્મની ટેગલાઈન છે – ‘જર્ની ઓફ લવ’ (પ્રેમની યાત્રા). ફિલ્મના પોસ્ટરમાં અને પ્રમોશન્સમાં આ જોઈ શકાય છે.
બચાવ પક્ષ ફિલ્મ નિર્માતાના વકીલે કોર્ટને કહ્યું હતું કે આ કેસ અપરિપક્વ છે, કારણ કે ફિલ્મને હજી સેન્સર બોર્ડ તરફથી સર્ટિફિકેટ મળવાનું બાકી છે.
એ સાંભળીને ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ આર. સુભાષ રેડ્ડી અને ન્યાયમૂર્તિ વી.એમ. પંચોલીએ નિર્માતાના વકીલને સવાલ કર્યો કે સેન્સર બોર્ડ તરફથી સર્ટિફિકેટ નથી મળ્યું તે છતાં તમે ફિલ્મનું પોસ્ટર અને પ્રમોઝ રિલીઝ કેવી રીતે કર્યા?
ન્યાયમૂર્તિ રેડ્ડીએ કહ્યું કે જરૂર જણાશે તો ન્યાયાધીશોની બેન્ચ આ ફિલ્મને જોશે.
કોર્ટે કેસમાં તમામ પ્રતિવાદીઓને નોટિસ મોકલી છે. સુનાવણી માટે 27 સપ્ટેંબર નક્કી કરવામાં આવી છે.
ફિલ્મ પાંચ ઓક્ટોબરે રિલીઝ કરવાનું નિર્ધારિત છે.
‘લવયાત્રી’નું મોટા ભાગનું શૂટિંગ જયપુરમાં ઉતારવામાં આવ્યું છે. આયુષે વારિના હુસૈન સાથે પોતાની તસવીરોને પોતાના ટ્વિટર પેજ પર શેર કરી છે અને કેપ્શનમાં લખ્યું છે, ‘થેંક્યૂ જયપુર’. આયુષ સલમાનની બહેન અર્પિતા ખાનનો પતિ છે. દંપતીને એક પુત્ર છે – અહિલ.