‘પૃથ્વીરાજ’ ફિલ્મનું નામ બદલવાની ક્ષત્રિયોની માગણી

મુંબઈઃ અખિલ ભારતી ક્ષત્રિય મહાસભાએ આગામી હિન્દી ફિલ્મ ‘પૃથ્વીરાજ’ના શીર્ષક સામે વાંધો ઉઠાવ્યો છે અને કહ્યું છે કે ગૂર્જર સમ્રાટ તરીકે જાણીતા મહાન શાસક અને મહાન યોદ્ધા પૃથ્વીરાજનું આ અપમાન છે. ચંદ્રપ્રકાશ દ્વિવેદી દિગ્દર્શિત અને યશરાજ ફિલ્મ્સ દ્વારા નિર્મિત આ ફિલ્મ સાહસીક, પરાક્રમી અને નીડર રાજા પૃથ્વીરાજ ચૌહાણના જીવન પર આધારિત છે. મોહમ્મદ ઘોરીએ ભારત પર આક્રમણ કર્યું હતું ત્યારે પૃથ્વીરાજે એનો બહાદુરીપૂર્વક સામનો કર્યો હતો. ફિલ્મમાં અક્ષય કુમાર બન્યો છે મહાન રાજપૂત સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ. ભૂતપૂર્વ બ્યૂટી ક્વીન માનુષી છિલ્લરે પૃથ્વીરાજની પત્ની સંયોગિતાનો રોલ કર્યો છે.

અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાની યુવા પાંખના વડા શાંતનૂ ચૌહાણે કહ્યું છે કે પૃથ્વીરાજ ચૌહાણ સમ્રાટ હતા અને એમણે દેશ તથા હિન્દુત્વનું રક્ષણ કર્યું હતું. આ શીર્ષક પ્રત્યેક ભારતીય નાગરિકના અપમાન સમાન છે. એમને સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ તરીકે જ ઓળખવામાં આવ્યા છે. અમારી માગણી છે કે ફિલ્મનું શીર્ષક બદલવામાં આવે અને ફિલ્મની પટકથાને ક્ષત્રિય સમાજના વરિષ્ઠ પ્રતિનિધિઓ પાસે પાસ કરાવવી જોઈએ. ફિલ્મને રિલીઝ કરાય એ પહેલાં સમાજના પ્રતિનિધિઓને બતાવવાની રહેશે અને એમાં જે કોઈ વાંધાજનક કે ખોટી હકીકતો દર્શાવેલી હોય તો એ દૂર કરવાની રહેશે.