મુંબઈઃ આગામી હિન્દી ફિલ્મ ‘ખાલી પીલી’ના આઈટમ સોન્ગ ‘બિયોન્સી શરમા જાયેગી’ને નિર્માતાઓએ ગઈ 6 સપ્ટેમ્બરે ધૂમધડાકા સાથે સોશિયલ મિડિયા પર રિલીઝ કર્યું હતું, પણ હવે એમને નીચાજોણું થયું છે. એમને ગીતની ‘હૂક લાઈન’માં ફેરફાર કરવો પડ્યો છે. ‘બિયોન્સી’ શબ્દ કાઢી નાખવો પડ્યો છે અને એની જગ્યાએ ‘દુનિયા’ શબ્દ મૂકવો પડ્યો છે.
નવી હૂક લાઈન ‘બિયોન્સી શરમા જાયેગી’ને બદલે ‘દુનિયા શરમા જાયેગી’ છે.
નિર્માતાઓએ ઈશાન ખટ્ટર અને અનન્યા પાંડે અભિનીત ‘ખાલી પીલી’ના આ ગીતને યૂટ્યૂબ પર રિલીઝ કર્યું હતું, પણ અમુક જ મિનિટોમાં એની ટીકા શરૂ થઈ ગઈ હતી. ટ્રોલ કરનારા ઘણાનું કહેવું હતું કે આ ગીતમાં ‘જાતિવાદ’ની ગંધ આવે છે અને ‘બિનજરૂરી ચાપલૂસી કરનારું’ છે.
તે હૂક લાઈનના વાંધાજનક શબ્દો આ મુજબ છેઃ ‘તુજે દેખ કે ગોરીયા, બિયોન્સી શરમા જાયેગી.’
ટ્રોલ કરનારાઓની દલીલ છે કે ‘ગોરીયા’ શબ્દ દેખીતી રીતે જ ગોરી સ્ત્રી માટે વપરાયો છે જ્યારે પોપગાયિકા બિયોન્સી આફ્રિકન-અમેરિકન મૂળની, અશ્વેત છે. ઘણા ભારતીય ચાહકોને આ ગીત જાતિવાદી ટિપ્પણીવાળું જણાયું છે.
ફિલ્મના દિગ્દર્શક મકબૂલ ખાને કહ્યું છે કે અમે આ ફિલ્મ દર્શકોના મનોરંજન માટે બનાવી છે, કોઈની લાગણીને ઠેસ પહોંચાડવાના હેતુથી નહીં. કેટલાક લોકોને અમારું ગીત ગમ્યું નથી એટલે અમે એમાં થોડોક ફેરફાર કરવાનું વિચાર્યું છે.
આ ગીતનું સંગીત વિશાલ અને શેખરની જોડીએ આપ્યું છે જ્યારે ગીતમાં સ્વર આપ્યો છે નીતિ મોહન અને નકાશ અઝીઝે. ગીત લખનાર છે – કુમાર અને રાજ શેખર.
ફિલ્મ આવતી 2 ઓક્ટોબરે રિલીઝ થવાની છે.
https://youtu.be/PHw3Sia7KtY