કરિશ્મા કપૂરે દીકરી સમાઈરાનો જન્મદિવસ ભૂતપૂર્વ પતિ સંજય કપૂરની સાથે મળીને ઉજવ્યો

મુંબઈ – બોલીવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરે રવિવારે એની દીકરી સમાઈરાનો 13મો જન્મદિવસ પારિવારિક ધામધૂમથી ઉજવ્યો હતો.

કરિશ્માએ યોજેલી સમાઈરાની બર્થડે પાર્ટીમાં એના ભૂતપૂર્વ પતિ સંજય કપૂરે પણ હાજરી આપી હતી.

ઉલ્લેખનીય છે કે, કરિશ્મા અને દિલ્હીના ઉદ્યોગપતિ સંજય કપૂરે છૂટાછેડા લઈ લીધા છે, પણ કરિશ્માએ દીકરીની બર્થડે પાર્ટીમાં સંજયને આમંત્રિત કર્યા હતા.

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલી તસવીરોમાં સમાઈરા કપૂર અને એનાં પિતા સંજય કપૂર બંને ખુશખુશાલ ચહેરે જોઈ શકાય છે. પિતા-પુત્રીની જોડીએ ખેંચેલી એક સેલ્ફી પણ એમાં છે.

કરિશ્માએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સમાઈરાની બર્થડે પાર્ટીની તસવીરો મૂકી છે. જેમાંની એક તસવીર એણે સમાઈરાના બાળપણના વખતની પણ છે.

કરિશ્મા, સંજયે 2003માં લગ્ન કર્યા હતા. પરંતુ અમુક વર્ષો બાદ બંને વચ્ચે ખટરાગ ઊભો થયો હતો. કરિશ્મા અને સંજય કપૂરને કિયાન નામનો એક પુત્ર પણ છે, જે અત્યારે 8 વર્ષનો થયો છે.

સમાઈરાને વિદેશમાં લઈ જવાના સંજયના આગ્રહ સામે કરિશ્માએ વાંધો ઉઠાવ્યો હતો. છેવટે ઝઘડો કોર્ટમાં ગયો હતો. કોર્ટ કાર્યવાહી દરમિયાન કરિશ્મા બંને સંતાનને લઈને મુંબઈ એના માતા-પિતા (રણધીર કપૂર અને બબીતા કપૂર)ના ઘેર આવી ગઈ હતી. અને છેવટે 2016માં કરિશ્મા અને સંજયના પરસ્પર સંમત્તિથી છૂટાછેડાને મુંબઈની ફેમિલી કોર્ટે મંજૂરી આપી હતી.

કરિશ્માથી અલગ થયા બાદ સંજય કપૂરે ગયા વર્ષના એપ્રિલમાં મોડેલ પ્રિયા સચદેવ સાથે લગ્ન કર્યા હતા. પ્રિયા સચદેવ હોટેલ ઉદ્યોગના મહારથી વિક્રમ ચટવાલની ભૂતપૂર્વ પત્ની છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]