કિસાનો જીત્યા; મહારાષ્ટ્ર સરકારે એમની બધી માગણીઓ સ્વીકારી, આંદોલનનો અંત

મુંબઈ – વિવિધ માગણીઓના મુદ્દે નાશિકથી પદયાત્રા કરીને મુંબઈ આવેલા મહારાષ્ટ્રભરના 35 હજાર જેટલા કિસાનોને આજે અહીં રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મોટી રાહત આપી છે. ફડણવીસે વિધાનભવન ખાતે આંદોલનકારી કિસાનોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કર્યા બાદ કહ્યું કે સરકારે કિસાનોની તમામ માગણીઓનો સ્વીકાર કરી લીધો છે અને એમને આ વિશે લેખિત પત્રમાં ખાતરી આપી છે.

પત્રકારો સાથેની વાતચીતમાં ફડણવીસે કહ્યું હતું કે કિસાનોના પ્રતિનિધિઓ સાથે સકારાત્મક ચર્ચા થઈ છે. કિસાનોનો જે કંઈ અધિકાર બનતો હશે એ તેમને આપવામાં આવશે. ફડણવીસની આ જાહેરાત બાદ કિસાનોએ એમનું આંદોલન સમાપ્ત કરી દીધું હતું.

મહારાષ્ટ્રભરમાંથી હજારોની સંખ્યામાં મુંબઈમાં આવી પહોંચેલા કિસાનો ગઈ કાલે રાતે દક્ષિણ મુંબઈસ્થિત આઝાદ મેદાન ખાતે રહ્યા હતા. ત્યારબાદ, આજે બપોરે કિસાનોના આગેવાનોએ વિધાનભવન ખાતે સર્વપક્ષીય બેઠકમાં હાજરી આપી હતી. તે બેઠક મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના અધ્યક્ષપદ હેઠળ યોજાઈ હતી.

મધ્ય રેલવેએ આ આંદોલનકારી કિસાનો ઘેર પાછા ફરી શકે એ માટે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી ભુસાવળ સુધી આજે રાતે બે સ્પેશિયલ ટ્રેન દોડાવશે.

એ પહેલાં, રાજ્યના જળસંસાધન ખાતાના પ્રધાન અને રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પ્રતિનિધિ ગિરીશ મહાજને પત્રકારોને જણાવ્યું કે કિસાનોની ૮૦ ટકા માગણીઓનો સરકારે સ્વીકાર કરી લીધો છે.

કિસાનોની આ લોન્ગ માર્ચને મુખ્યત્વે ડાબેરી પક્ષોનું પીઠબળ છે.

શું છે કિસાનોની માગણીઓ?

અખિલ ભારતીય કિસાન સભા સંગઠનના નેજા હેઠળ આયોજિત કિસાન લોન્ગ માર્ચમાં સામેલ થયેલા લાલ ટોપી પહેરેલા અને લાલ વાવટા સાથે સજ્જ કિસાનોની માગણી છે કે કોઈ પણ શરત વિના એમનું દેવું માફ કરવામાં આવે, ભૂમિહીન થયેલા આદિવાસીઓને વનજમીન આપવામાં આવે, એમને મફતમાં વીજળી પૂરી પાડવામાં આવે, વૃદ્ધ કિસાનો માટે નિવૃત્તિ પેન્શન યોજના જાહેર કરવામાં આવે, નદીની વહેંચણી માટે ગુજરાત સાથે જે કરાર કરવામાં આવ્યા છે તે રદ કરવામાં આવે એટલે કે મહારાષ્ટ્રની નદીઓનું પાણી ગુજરાતમાં જવું ન જોઈએ, દરેક ખેડૂતને નવા રેશનકાર્ડ આપવામાં આવે, દરેક કિસાન પરિવારને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર આપવામાં આવે, સ્વામિનાથન સમિતિએ કરેલી ભલામણોનો અમલ કરવામાં આવે અને એમના કૃષિ ઉત્પાદનો માટે સરકાર દ્વારા દોઢ ગણા વધુ ટેકાના ભાવ આપવામાં આવે.

35 હજાર જેટલા કિસાનો ગઈ 6 માર્ચે નાશિકથી પગપાળા રવાના થયા હતા. તેઓ લગભગ 200 કિલોમીટર જેટલું અંતર ચાલીને ગઈ કાલે, રવિવારે મુંબઈમાં આવી પહોંચ્યા હતા. ગઈ રાત એમણે દક્ષિણ મુંબઈના આઝાદ મેદાન ખાતે ગાળી હતી. હજારોની સંખ્યામાં આવ્યા હોવા છતાં તમામ કિસાનોએ શાંતિ જાળવી રાખી હતી.

આ કિસાનોને મુંબઈવાસીઓએ પીવાનું પાણી આપ્યું હતું, નાસ્તો પણ ખવડાવ્યો હતો. મુંબઈગરાંઓની ઉદારતાથી કિસાનો ગદ્દગદ્દ થઈ ગયા હતા અને આભાર માનતા જોવા મળ્યા હતા.

કિસાનોના વિરાટ મોરચાને ધ્યાનમાં લઈને પરિસ્થિતિને અંકુશમાં રાખવા માટે મહારાષ્ટ્ર સરકારે બંદોબસ્ત માટે 45 હજાર જેટલા પોલીસોને તહેનાત કર્યા છે.

એક બાજુ વિધાનસભામાં બજેટ સત્ર ચાલુ છે અને બીજી બાજુ શહેરમાં એસએસસીની બોર્ડ પરીક્ષા ચાલુ છે તેવામાં કિસાનોનો આ વિરાટ મોરચો સરકાર માટે ચિંતાનો વિષય બન્યો હતો.

દક્ષિણ મુંબઈમાં ઠેકઠેકાણે ટ્રાફિક નિયમનોમાં ફેરફાર જાહેર કરવામાં આવ્યા છે. વાહનોની સ્પીડ ઓછી રાખવાનું પણ વાહનચાલકોને જણાવી દેવામાં આવ્યું છે.

પોલીસ વિભાગે કોઈ પણ પ્રકારની અફવા પર વિશ્વાસ ન કરવાની નાગરિકોને અપીલ કરી છે.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આંદોલનકારી કિસાનોને આજે સવારે અપીલ કરી હતી કે તેઓ શાંતિ જાળવે, ટ્રાફિક જામ ન કરે, કારણ કે એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે તેથી વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે એની તકેદારી રાખે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]