મુંબઈ – 1983માં ભારતીય ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડમાં પ્રુડેન્શિયલ વર્લ્ડ કપ સ્પર્ધામાં મેળવેલા વિજેતાપદના વિષય પર હિન્દી ફિલ્મ બની રહી છે. એનું ટાઈટલ છે ’83’.
ભારતના એક યાદગાર, ફેમસ વિજય વખતે ટીમનો કેપ્ટન હતો કપિલ દેવ. ’83 ફિલ્મમાં કપિલનો રોલ અદા કરી રહ્યો છે રણવીર સિંહ.
ફિલ્મના સહ-નિર્માતા વિષ્ણુ ઈન્દુરીનું કહેવું છે કે રણવીર સિંહ ફિલ્મમાં કપિલ દેવવાળો રોલ બરાબર રીતે ભજવી શકે એ માટે ખુદ કપિલ જ રણવીરને મદદ કરવાના છે.
વાસ્તવમાં, ’83’ ફિલ્મને સફળ બનાવવા માટે 1983ની વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમના સભ્યો કન્સલ્ટન્ટ તરીકે સેવા આપવાના છે.
ઉલ્લેખનીય છે કે, 1983ની વર્લ્ડ કપ સ્પર્ધામાં ભારતે અન્ડરડોગ્સ તરીકે આરંભ કર્યો હતો અને એણે ફાઈનલમાં ફેવરિટ્સ વેસ્ટ ઈન્ડિઝને હરાવીને સનસનાટી મચાવી દીધી હતી. અનુભવી ક્લાઈવ લોઈડના નેતૃત્ત્વ હેઠળની કેરેબિયન ટીમ અગાઉ બે વાર વર્લ્ડ કપ ટ્રોફી જીતી ચૂકી હતી અને હેટ-ટ્રિક કરવાને આરે હતી, પણ બાહોશ કપિલ દેવના સક્ષમ સુકાન હેઠળની ભારતીય ટીમે 1983ની 25 જૂને વેસ્ટ ઈન્ડિઝને 43 રનથી હરાવીને ક્રિકેટ જગતને સૌથી મોટું સરપ્રાઈઝ આપ્યું હતું. ભારતીય ટીમ 54.4 ઓવરમાં 183 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી. એના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝ ટીમ 52 ઓવરમાં 140 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. મોહિન્દર અમરનાથ મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સીરિઝ બન્યા હતા.
આ ફિલ્મના દિગ્દર્શક છે કબીર ખાન. ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંત ભાગમાં શરૂ કરવામાં આવે એવી ધારણા છે.
રણવીર સિંહ હાલ બે ફિલ્મમાં કામ કરી રહ્યો છે – ‘સિમ્બા’ અને ‘ગલી બોય’. રોહિત શેટ્ટી દિગ્દર્શિત ‘સિમ્બા’નું શૂટિંગ લગભગ પૂરું થઈ ગયું છે અને ‘ગલી બોય’નું શૂટિંગ પૂરું થવાને આરે છે.