અક્ષય બન્યો રોડ સેફ્ટી ઝુંબેશનો ચહેરો; નિયમ તોડનારાઓને ટકોર, ‘રસ્તો કોઈના બાપનો નથી’

મુંબઈ – બોલીવૂડ અભિનેતા અક્ષય કુમારે દર્શકોને અનેક સુપરહિટ ફિલ્મો આપી છે અને પોતાની એક્ટિંગ દ્વારા એ લોકપ્રિય થયો છે. સામાજિક મુદ્દાઓ પર આધારિત ફિલ્મોમાં કામ કરવા માટે અને ફિલ્મ બનાવવા માટે પણ એ જાણીતો છે. સામાજિક સુરક્ષાને લગતી કેટલીક ઝુંબેશ તથા નિયમોના પાલન વિશે જનજાગૃતિ લાવવામાં પ્રશાસનને મદદરૂપ થવામાં પણ એ તત્પર રહેતો હોય છે.

ફિટનેસ વિશે તો એ યુવાઓને કાયમ જાગૃત કરતો જ રહે છે અને હવે ટ્રાફિક વિભાગને મદદરૂપ થવા એ રસ્તા પર ઉતર્યો છે.

અક્ષયે કેન્દ્ર સરકારના ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝ મંત્રાલય માટે ત્રણ વિડિયોમાં કામ કર્યું છે. દરેક વિડિયોમાં એ નિયમ તોડનાર વાહનચાલકોને રસ્તા પર અટકાવીને બોર્ડ તરફ ઈશારો કરીને કહે છે કે રોડ તમારા બાપનો છે. જેની સામે નિયમભંગ કરનારાઓ જ જવાબ આપે છે કે રોડ મારા બાપનો નથી. પછી અક્ષય એમને ચલણ કાપીને પકડાવે છે.

એક વિડિયોમાં એ ટ્રાફિક પોલીસ બન્યો છે અને માર્ગ સુરક્ષા વિશે એક કારચાલકને ટપારતો એને જોઈ શકાય છે.

અક્ષયે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર કેટલાક વિડિયો શેર કર્યો છે, જેમાં એ હેલમેટ પહેર્યા વગર મોટરબાઈક પર ટ્રિપલિંગ કરનાર છોકરાને પોતાની સ્ટાઈલમાં ખિજાય છે તો બીજા વિડિયોમાં સીટબેલ્ટ લગાવ્યા વગર અને ફોન પર વાતો કરનાર એક શખ્સને પણ એ જ સ્ટાઈલમાં સંભળાવે છે.

ત્રીજા વિડિયોમાં અક્ષય સિગ્નલ તોડનાર એક ગુજરાતી કારચાલકને પકડે છે અને અણિયાળી ટકોર કરીને એને ટ્રાફિક નિયમ અને રોડ સુરક્ષાનો પાઠ ભણાવે છે.

ટૂંકમાં, અક્ષય અભિનીત આ વિડિયો કેમ્પેનનો હેતુ છે – સડક સુરક્ષા, જીવન રક્ષા.

httpss://twitter.com/akshaykumar/status/1029253856868425729

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]