રાણી લક્ષ્મીબાઈનું પાત્ર ભજવવાનું મારું સપનું સાકાર થયું: કંગના

મુંબઈ – મહત્ત્વાકાંક્ષી એવી ઐતિહાસિક ઘટનાઓ પર આધારિત હિન્દી ફિલ્મ ‘મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી’નું ટ્રેલર ગઈ કાલે રિલીઝ કરવામાં આવ્યું છે. કંગના રણૌત આ ફિલ્મમાં મણિકર્ણિકા – રાણી લક્ષ્મીબાઈનું શિર્ષક પાત્ર ભજવી રહી છે એટલું જ નહીં, તે આ ફિલ્મની નિર્દેશિકા પણ છે. એણે કહ્યું કે, ફિલ્મનું દિગ્દર્શન કરવાનું કામ ખૂબ કઠિન હોય છે, પણ મને આ ફિલ્મ બનાવવામાં આનંદ આવ્યો હતો.

ફિલ્મના દિગ્દર્શક ક્રિશ આ ફિલ્મ અધવચ્ચે, અચાનક છોડી જતાં ફિલ્મનું નિર્માણ પૂરું કરવાનો પડકાર કંગનાએ ઝીલી લીધો હતો અને એ કામ એણે સફળતાપૂર્વક પાર પાડી બતાવ્યું.

ગઈ કાલે મિડિયાકર્મીઓ સમક્ષ ફિલ્મના ટ્રેલર લોન્ચ પ્રસંગે એની સાથે ફિલ્મનાં સહ-કલાકારો અંકિતા લોખંડે, મિશ્તી અને સુરેશ ઓબેરોય ઉપરાંત નિર્માતા કમલ જૈન, લેખક કે.વી. વિજયેન્દ્ર પ્રસાદ, સંગીતકારો શંકર-એહસાન-લોય પણ હાજર હતાં.

રાણી લક્ષ્મીબાઈનાં પાત્ર વિશે જ્યારે કંગનાને પૂછવામાં આવ્યું ત્યારે એણે કહ્યું કે, રૂપેરી પડદા પર રાણી લક્ષ્મીબાઈનું પાત્ર ભજવવાનું મેં સપનું સેવ્યું હતું, જે સાકાર થયું છે. ઘણા લોકોએ ‘મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી’ જેવી ફિલ્મ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. કમલ જૈનની પહેલા એક અન્ય નિર્માતાએ પણ એ માટે મારો સંપર્ક કર્યો હતો. બે વર્ષ સુધી મેં સ્ક્રિપ્ટનો અભ્યાસ કર્યો હતો, પણ ફિલ્મના નિર્માણ માટે કોઈ અતિરિક્ત પ્રોડ્યૂસર ન મળતાં ફિલ્મનું કામકાજ શરૂ થઈ શક્યું નહોતું. મને ગંભીર ફટકા પડ્યા હતા, પણ આખરે અમે આ ફિલ્મને પૂરી કરવામાં સફળ રહ્યાં છીએ.

રાણી લક્ષ્મીબાઈનું પાત્ર રૂપેરી પડદા પર ભજવવાનું મારુું સપનું સાકાર થયું છે એનાથી હું બહુ ખુશ છું. આજનો દિવસ મારા માટે વિશેષ છે.

કંગનાએ વધુમાં કહ્યું કે, રાણી લક્ષ્મીબાઈનું પાત્ર ભજવતી વખતે અમે મારાં પોશાક લક્ષ્મીબાઈ જેવાં જ દેખાય એ વિશે ખાસ ધ્યાન રાખ્યું હતું. રાણી લક્ષ્મીબાઈની બહાદુરી વિશે આપણે જે વાર્તાઓ સાંભળી છે તે અદ્દભુત છે.

ફિલ્મમાં એક દ્રશ્ય છે, જેમાં રાણી એમનાં બાળકને પીઠ પર બાંધે છે અને કિલ્લા પરથી છલાંગ મારીને ઘોડા પર બેસે છે અને સવાર થાય છે. એ દ્રશ્ય ભજવતાં અમને ખૂબ મહેનત પડી હતી. બધું સરસ રીતે પાર પડ્યું હતું. તેથી મને એવું લાગે છે કે અમે દર્શકોની અપેક્ષાને પૂરી કરી શકીશું.

ઝી સ્ટુડિયોઝ, કમલ જૈન, નિશાંત પિટ્ટી નિર્મિત ‘મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી’ ફિલ્મ 2019ની 25 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.

httpss://youtu.be/tKmkMVaNu9g