ફિલ્મ-મનોરંજન ક્ષેત્રના અગ્રણીઓ મુંબઈની મુલાકાતે આવેલા પીએમ મોદીને મળ્યા

મુંબઈ – ફિલ્મ અને મનોરંજન ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતું એક ડેલિગેશન આજે મુંબઈમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યું હતું. પ્રતિનિધિમંડળમાં ફિલ્મ નિર્માતાઓ, કલાકારો, ફિલ્મ નિર્માણ કંપનીઓના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસરો (CEOs)નો સમાવેશ થાય છે. ભારતીય અર્થતંત્રના વિકાસમાં ફિલ્મ અને મનોરંજન ક્ષેત્રનું યોગદાન આપવાની આ તમામે પીએમ મોદીને ખાતરી આપી હતી.

ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન મોદીએ ભારતીય અર્થતંત્રને નજીકના ભવિષ્યમાં પાંચ ટ્રિલિયન ડોલર કદનું બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. ફિલ્મ-મનોરંજન ક્ષેત્રના અગ્રણીઓએ આજે વડા પ્રધાનને મળીને એમની આ પરિકલ્પના માટે મજબૂત સમર્થન વ્યક્ત કર્યું હતું અને તે પ્રમાણેના ભારતીય અર્થતંત્રના નિર્માણમાં આ ક્ષેત્રનું યોગદાન આપવાની ખાતરી આપી હતી. અગ્રણીઓએ મિડિયા તથા મનોરંજન ઉદ્યોગના વ્યાપક વિકાસના સામર્થ્યનું વિવરણ પણ રજૂ કર્યું હતું.

આ પ્રતિનિધિમંડળે દેશમાં મનોરંજન ઉદ્યોગ માટે ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી)ના ઓછા દરો તથા સમાન દરો રહે એવી વડા પ્રધાનને અપીલ પણ કરી હતી.

મુંબઈ એ દેશમાં મનોરંજનનું પાટનગર ગણાતું હોવાથી અનેક કાર્યક્રમો, યોજનાઓ દ્વારા આ શહેરના વિકાસ માટે પ્રતિનિધિમંડળના સભ્યોએ ભારપૂર્વક તરફેણ કરી હતી અને અનુરોધ કર્યો હતો.

વડા પ્રધાને અગ્રણીઓને કહ્યું કે ભારતીય મનોરંજન ઉદ્યોગ સમગ્ર વિશ્વમાં ખૂબ લોકપ્રિયતા ધરાવે છે. કેન્દ્ર સરકાર મિડિયા તથા મનોરંજન ઉદ્યોગ માટે સહયોગ આપતી રહેશે તેમજ એમના સૂચનો પર સકારાત્મક રીતે વિચારણા કરશે એવી તેમણે ખાતરી પણ આપી હતી.

પ્રતિનિધિમંડળમાં અક્ષય કુમાર, અજય દેવગન, રાકેશ રોશન, પ્રસૂન જોશી, કરણ જોહર, સિદ્ધાર્થ રોય કપૂર તથા અન્યો સામેલ હતા.