મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી કંગના રણોતે એવા અહેવાલોને રદિયો આપ્યો છે કે પોતે 2024ની લોકસભા ચૂંટણી લડવાની છે. હાલમાં તેજસ ફિલ્મમાં જોવા મળેલી કંગના વિશે તાજેતરમાં એવા અહેવાલો વાંચવા મળ્યા હતા કે તે રાજકારણમાં પ્રવેશવાની છે અને ચંડીગઢ મતવિસ્તારમાંથી ચૂંટણી લડવાની છે. તે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થશે અને અભિનેત્રીમાંથી નેતા બનેલાં કિરણ અનુપમ ખેરની જગ્યાએ ચંડીગઢમાં ભાજપનાં ઉમેદવાર બનશે. આ અહેવાલોને કંગનાએ આજે નકારી કાઢ્યા છે.
ઈન્ટરનેટ પર પોતાનાં રાજકારણ પ્રવેશ વિશે વાઈરલ થયેલા અહેવાલને નકારી કાઢવા માટે કંગનાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીનો સહારો લીધો છે. એમાં તેણે એક હિન્દી સમાચારની તસવીર શેર કરીને કહ્યું છે કે, ‘આ સમાચાર ખોટા છે. આમાં મથાળામાં જે લખ્યું છે એવું હું બોલી જ નથી.’ (હેડિંગમાં લખ્યું છેઃ ‘ચંડીગઢવાસીયોં મૈં આ રહી હૂં આપકે શહર’). કંગનાએ વધુમાં લખ્યું છે: ‘આ સમાચાર અને મથાળું વાંચીને મારાં સગાસંબંધીઓ અને મિત્રો મને એની તસવીર મોકલી રહ્યાં છે. હેડલાઈનમાં લખ્યું છે એવું હું બોલી જ નથી… બધી અફવાઓ છે.’
ઉલ્લેખનીય છે કે, કંગનાએ તાજેતરમાં એવો સંકેત આપ્યો હતો કે તે રાજકારણમાં પ્રવેશ કરશે. એણે એમ કહ્યું હતું કે ‘ભગવાન શ્રીકૃષ્ણની કૃપા હશે તો હું લોકસભાની આગામી ચૂંટણી લડીશ.’ કંગનાએ ભાજપની સરકારની કામગીરીની અવારનવાર પ્રશંસા કરતી રહી છે.