નેટફ્લિક્સ પર વિશ્વસ્તરે વધુ જોવાયેલા બિન-અંગ્રેજી શોઃ ‘ધ રેલવે મેન’ ત્રીજા ક્રમે

મુંબઈઃ ટીવી શો ‘ધ રેલવે મેન’ વિશ્વસ્તરે ખૂબ પસંદ પામ્યો છે. અસંખ્ય પ્રશંસકોએ તેને વખાણ્યો છે. તેથી આ શોએ અમેરિકાની સબ્સ્ક્રિપ્શન આધારિત વીડિયો ઓન-ડિમાન્ડ ઓવર-ધ-ટોપ (OTT) સ્ટ્રીમિંગ સેવા ‘નેટફ્લિક્સ’ પર વિશ્વ સ્તરે જોવાયેલા બિન-અંગ્રેજી ટીવી શોમાં ત્રીજી રેન્ક હાંસલ કરી છે. 36 દેશોમાં આ શો ટ્રેન્ડિંગમાં છે. આર. માધવન, કે કે મેનન, દિવ્યેન્દૂ અને બાબિલ ખાનનો દમદાર અભિનય જોવા મળ્યો છે. સંકટના સમયમાં હિંમતવાળા માનવીઓ કેવી મદદે દોડી આવે છે અને સાધારણ માનવીઓ અસાધારણ પડકારોનો કેવી રીતે સામનો કરે છે તે આ શોમાં બતાવવામાં આવ્યું છે.

શિવ રવૈલ દિગ્દર્શિત આ શો વિશ્વની સૌથી ભયાનક ઔદ્યોગિક દુર્ઘટના – ભોપાલ ગેસ દુર્ઘટનાની પૃષ્ઠભૂમિ પર બનાવવામાં આવ્યો છે. નેટફ્લિક્સ અને યશરાજ ફિલ્મ્સ એન્ટરટેનમેન્ટ વચ્ચેની ભાગીદારીમાં બનાવવામાં આવેલી આ પહેલી જ ટીવી સીરિઝ છે. તેમાં બહાદુરી, આશા અને માનવતાની રોમાંચક ગાથાને વણી લેવામાં આવી છે.