જિયા ખાન સુસાઇડ કેસઃ અભિનેતા સૂરજ પંચોલીને છોડી મુકાયો

મુંબઈઃ એક્ટ્રેસ અને મોડલ જિયા ખાનને સુસાઇડ માટે ઉશ્કેરવાના આરોપમાં એક્ટર સૂરજ પંચોલીને મુંબઈની સ્પેશિયલ કોર્ટે છોડી મૂક્યો છે. સૂરજ પંચોલી તેની માતા ઝરીના વહાબની સાથે કોર્ટમાં આવ્યો હતો. એક દાયકા પછી આ મામલે CBIની સ્પેશિયલ કોર્ટનો ચુકાદો આવ્યો છે.

‘નિશબ્દ’ એક્ટ્રેસ જિયા ખાને ત્રીજી જૂન, 2013એ આપઘાત કર્યો હતો. 10 જૂને જિયા ખાનનો એક પત્ર મળ્યો હતો, જેને આધારે મુંબઈ પોલીસે એક્ટર સૂરજ પંચોલી પર કલમ 306 (આત્મહત્યા માટે ઉશ્કેરવું)  હેઠળ કેસ નોંધ્યો હતો.

જિયાની માતા રાબિયા ખાને દાવો કર્યો હતો કે તેની પુત્રી સૂરજ પંચોલીની સાથે અપમાનજનક રિલેશનશિપમાં હતી અને તેણે આરોપ લગાવ્યો હતો કે તેની પુત્રીની હત્યા કરવામાં આવી છે. ઓક્ટોબર, 2013માં તેણે કેસમાં CBI તપાસની માગ કરતાં બોમ્બે હાઇકોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં હતાં. હાઇકોર્ટના આદેશ પર CBIએ એક વર્ષ પછી જુલાઈ, 2014માં મહારાષ્ટ્ર પોલીસે આ કેસ હાથમાં લીધો હતો.

બીજી બાજુ, સૂરજે કહ્યું હતું કે જિયા ખાનની સાથે તેના સંબંધ સારા હતા. તેણે કહ્યું હતું કે નફીસા (જિયાનું મૂળ નામ)ની સાથે મારા સંબંધ શરૂઆતથી જ સારા રહ્યા છે. રાબિયાના આ દાવા વિશે પૂછવામાં આવતાં કે આત્મહત્યાનો કેસ નહીં, પણ હત્યાનો મામલો છે, પંચોલીએ કહ્યું હતું કે હું નફીસાના મોત માટે જવાબદાર નથી.

CBIની વિશેષ ન્યાયાધીશ એ. એસ. સૈયદે આ મામલે બંને પક્ષોની અંતિમ દલીલો સાંભ્યા પછી ગયા સપ્તાહે ચુકાદો 28 એપ્રિલે સુરક્ષિત રાખ્યો હતો.