મનોરંજક-હોરર ફિલ્મમાં રીશી કપૂર, ઈમરાન હાશ્મી સાથે ચમકશે

મુંબઈ – મલયાલમ ફિલ્મ દિગ્દર્શક જિતૂ જોસેફ એક મનોરંજક-હોરર ફિલ્મ દ્વારા બોલીવૂડમાં એન્ટ્રી કરે એવી ધારણા છે. તેઓ એમની પહેલી હિન્દી ફિલ્મમાં રીશી કપૂર અને ઈમરાન હાશ્મીને સાઈન કરવા માગે છે.

જિતૂ જોસેફ મોહનલાલ અભિનીત મલયાલમ ફિલ્મ ‘દ્રશ્યમ’ માટે જાણીતા છે. જોસેફ અનોખી સ્ટાઈલની અને થ્રિલર, સસ્પેન્સભરી ફિલ્મો બનાવવા માટે મલયાલમ ફિલ્મરસિયાઓમાં જાણીતા છે.

જિતૂ જોસેફની પહેલી હિન્દી ફિલ્મના નિર્માણમાં સહયોગ કરવાની અજ્યોર એન્ટરટેઈનમેન્ટ અને વાયકોમ 18 મોશન પિક્ચર્સ કંપનીઓએ જાહેરાત કરી છે.

જોસેફનું કહેવું છે કે બોલીવૂડમાં પહેલી ફિલ્મ બનાવવા માટે હું સારી સ્ટોરીની શોધમાં હતો. હવે મને એ મળી ગઈ છે. તે એક ક્રાઈમ અને સસ્પેન્સફુલ ફિલ્મ હશે. એ માટે મેં બે દિગ્ગજ કલાકાર – રીશી કપૂર અને ઈમરાન હાશ્મીને પસંદ કર્યા છે. ટૂંક સમયમાં જ આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરીશ. ફિલ્મનું ટાઈટલ હજી મેં નક્કી નથી કર્યું.

પોતાની આ ફિલ્મ ગેમ ચેન્જર સાબિત થશે એવો જોસેફને વિશ્વાસ છે.

વાયકોમ 18 મોશન પિક્ચર્સે જિતૂ જોસેફની ‘દ્રશ્યમ’ની હિન્દી રીમેક બનાવી હતી.

ઈમરાન હાશ્મી આ પહેલાં ‘રાઝ 2’, ‘રાઝ 3’, ‘રાઝ રીબૂટ’, ‘એક થી ડાયન’ જેવી હોરર ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે.