નવી દિલ્હી: જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીમાં છેલ્લા થોડા દિવસોથી કેટલાક બુકાનીધારી લોકોએ વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર હુમલો કરી રહ્યા છે. જેએનયુ કેમ્પસમાં થયેલા અચાનક હુમલામાં અનેક વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઘાયલ પણ થયા છે. આ હિંસા મામલે દેશની જનતાની સાથે સાથે બોલીવૂડના સેલેબ્સની પણ પ્રતિક્રિયા સામે આવી રહી છે. બોલીવૂડ એક્ટ્રેસ ટ્વિંકલ ખન્નાએ સરકાર પર નિશાન તાક્યું છે.
ટ્વિંકલ ખન્નાએ તેના ટ્વિટર હેન્ડલ પર લખ્યું હતું કે, ભારતમાં ગાયોને વિદ્યાર્થીઓ કરતા વધારે સુરક્ષા પ્રાપ્ત છે. આ એ દેશ છે જેણે ડરમાં જીવવાથી ઈનકાર કર્યો છે. તમે હિંસા કરીને લોકોને ન દબાવી શકો…આનાથી વધારે વિરોધ થશે, વધારે પ્રદર્શન થશે. મોટી સંખ્યામાં લોકો રોડ પર આવી જશે. ટ્વિંકલના આ ટ્વીટ પર લોકોની જોરદાર પ્રતિક્રિયા આવી રહી છે.
આ ઉપરાંત બોલીવૂડ એક્ટ્રેસ રેણુકા શહાણેએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, સમગ્ર રીતે કાયદાની વિરુદ્ધ છે, બુકાનીધારી હુમલાખોર જેએનયુ કેમ્પસમાં કેવી રીતે ઘુષણખોરી કરી શકે છે અને વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર કેવી રીતે હુમલો કરી શકે છે. દિલ્હી પોલીસ શું કરી રહી છે. માત્ર હથિયાર વગરના લોકો પર હુમલો કરતા આવડે છે ? જે કાયદાનો જાહેરમાં ભંગ કરી રહ્યા છે તેમને ખુલ્લી છૂટ આપવામાં આવી રહી છે શું ? અવિશ્વસનીય, ડરામણું, શરમજનક.
ઉલ્લેખનીય છે કે, જેએનયુમાં રવિવારે લાકડીઓ સજ્જ લગભગ 50 બુકાનીધારી લોકોએ વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર હુમલો કર્યો. હુમલાવરોમાં મહિલાઓ પણ સામેલ હતી. અરોપીઓએ હોસ્ટેલમાં તોડફોડ કરી અને ત્યાં પાર્ક કરેલી કારને પણ નુકસાન પહોંચાડ્યું. આ હુમલામાં JNUSU અધ્યક્ષ આઈશી ઘોષ ખરાબ રીતે ઘાયલ થઈ છે. આ ઉપરાંત કુલ 24 લોકો ઘાયલ થયા છે જેમાં 5 શિક્ષકો અને 19 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. દિલ્હી પોલીસે જણાવ્યું તમામ ઘાયલોની સ્થિતિ સુધારા પર છે.