જેએનયૂમાં વિદ્યાર્થીઓ પરના હુમલાનો મુંબઈમાં વિરોધ થયો; તાપસી, શબાના જોડાઈ

મુંબઈ – નવી દિલ્હીમાં જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં ગઈ કાલે બુકાનીધારી લોકોના એક ટોળાએ વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર કરેલા હિચકાલા હુમલાના વિરોધમાં આજે મુંબઈમાં વિરોધ-દેખાવો કરવામાં આવ્યા હતા.

ગેટવે ઓફ ઈન્ડિયા સ્મારક ખાતે આયોજિત દેખાવોમાં અભિનેત્રીઓ તાપસી પન્નૂ, શબાના આઝમી, અપર્ણા સેન, નિર્માતા અનુરાગ કશ્યપ જેવી બોલીવૂડ હસ્તીઓ સામેલ થઈ હતી અને હુમલાને વખોડી કાઢ્યો હતો.

અન્ય અભિનેત્રી સ્વરા ભાસ્કર, અભિનેતા મોહમ્મદ ઝીશાન અય્યૂબ, નિર્માતા હંસલ મહેતાએ પણ હુમલાને વખોડી કાઢ્યો છે અને આ કેસમાં હસ્તક્ષેપ કરવાની દિલ્હી પોલીસને વિનંતી કરી છે.

જેએનયૂમાંના હુમલામાં 18 જેટલા વિદ્યાર્થીઓ, શિક્ષકો ઘાયલ થયા હતા અને એમને એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોમાં વિદ્યાર્થી સંઘના અધ્યક્ષા આઈશી ઘોષનો પણ સમાવેશ થાય છે.

(ડાબેથી જમણે) સ્વરા ભાસ્કર, સોનમ કપૂર-આહુજા, તાપસી પન્નૂ, રિચા ચઢ્ઢા

સ્વરાનાં માતા ઈરા ભાસ્કર જેએનયૂમાં પ્રોફેસર તરીકે સેવા બજાવે છે. સ્વરાએ ટ્વિટર પર લોકોને અપીલ કરી છે કે હિંસા પર કાબૂ મેળવવા માટે સરકાર તથા દિલ્હીની પોલીસ પર દબાણ લાવવા માટે કેમ્પસ પર જવું જોઈએ.

અભિનેત્રીઓ સોનમ કપૂર-આહુજા, રેણુકા શહાણે, રિચા ચઢ્ઢા, દિગ્દર્શકો અનુરાગ બસુ, વિશાલ ભારદ્વાજ, અનુભવ સિન્હાએ ટ્વીટ કરીને હુમલાને વખોડી કાઢ્યો હતો.

દિગ્દર્શક અનુરાગ કશ્યપે જેએનયૂમાં હિંસા અને તોડફોડ કરાયાના અનેક કથિત વિડિયોને રીટ્વીટ કર્યા છે.