2024ના પ્રથમ અર્ધવાર્ષિકમાં ફિલ્મોએ રૂ. 5000 કરોડની કમાણી કરી

નવી દિલ્હીઃ ભારતીય ફિલ્મ ઉદ્યોગ માટે કમાણીને મામલે આ વર્ષ ઘણું સારું સાબિત થવાનું છે. આ વર્ષના પહેલા અર્ધવાર્ષિક ગાળામાં બોક્સ ઓફિસ પર નોંધપાત્ર કમાણી કરતાં ફિલ્મો આશરે રૂ. 5000 કરોડની કમાણી કરી ચૂકી છે. જોકે મલયાલમ ફિલ્મોએ હિન્દી સિનેમાને પાછળ છોડી દીધી છે.

ધ ઇન્ડિયા બોક્સ ઓફિસ રિપોર્ટઃ જાન્યુઆરી-જૂન 2024 મુજબ વર્ષ 2024માં જાન્યુઆરીથી જૂન સુધી રિલીઝ થયેલી ફિલ્મોએ ઘરેલુ કલેક્શન સારુંએવું કર્યું છે. આ કલેક્શન ગયા વર્ષની તુલનાએ ત્રણ ગણું વધુ છે.

બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન સ્ટારર ‘કલ્કિ 2898 AD’ બોક્સ ઓફિસમાં ખૂબ ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે પ્રથમ છ માસિકમાં સૌથી વધુ કમાણી કરી છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ કલેક્શનના 15 ટકા એટલે કે આશરે રૂ. 1000 કરોડની કમાણી કરી છે. અહેવાલ મુજબ આ વખતે મલયાલમ સિનેમાનો હિસ્સો બોક્સ ઓફિસ કલેક્શનમાં પાંચ ટકાથી વધીને 15 ટકા થયો છે. વળી, આ વર્ષે પહેલા છ માસિકમાં જ મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ 2023થી વધુ કમાણી કરી લીધી છે.

ગયા વર્ષની જેમ આ વર્ષે બીજા છ માસિક ગાળામાં કેટલીક મોટી ફિલ્મો- ‘પુષ્પા 2: ધ રૂલ’, ‘સ્ત્રી 2’, ‘સિંઘમ અગેન’, ‘દેવરા’ અને ‘ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઇમ’ જેવી મોટી ફિલ્મો રિલીઝ થવાની છે. જેથી આ વર્ષે કુલ બોક્સ ઓફિસ કલેક્શન 2023ને પાર થવાની અપેક્ષા છે.