અમારે બનવું છે ‘દક્ષિણના કપૂર્સ’: ચિરંજીવી

હૈદરાબાદઃ પોતાની આગામી તેલુગુ ફિલ્મ ‘આચાર્ય’ના પ્રચાર માટે એક વિશેષ ઈન્ટરવ્યૂમાં મેગાસ્ટાર ચિરંજીવીએ કહ્યું કે પોતે એવું ઈચ્છે છે કે એમનો પરિવાર ‘સાઉથના કપૂર્સ’ તરીકે ઓળખાય. એમણે એમના અભિનેતા પવન કલ્યાણ સાથેની એક ચર્ચા વખતે પણ આવી ઈચ્છા દર્શાવી હતી.

ચિરંજીવીએ મુલાકાતમાં કહ્યું કે, ‘હિન્દી સિનેમામાં કપૂર કલાકારોનો ક્રેઝ છે. દક્ષિણ સિનેમામાં અમારો પરિવાર એ જ રીતે ઓળખાય એમ હું ઈચ્છું છું.’ ચિરંજીવીએ તેલુગુ કોમેડી અભિનેતા અલ્લુ રામલિંગૈયાની પુત્રી સુરેખા સાથે લગ્ન કર્યા છે. એમને બે પુત્રી – સુસ્મિતા અને શ્રીજા અને એક પુત્ર છે – રામ ચરણ (જે તેલુગુ ફિલ્મોનો અગ્રગણ્ય અભિનેતા છે). ચિરંજીવીના નાના ભાઈ નગેન્દ્ર બાબુ ફિલ્મનિર્માતા અને અભિનેતા છે. એમનો સૌથી નાનો ભાઈ પવન કલ્યાણ છે. એમનો સાળો અલ્લુ અરવિંદ ફિલ્મ નિર્માતા છે. ચિરંજીવી આ કલાકારોનાં કાકા છેઃ અલ્લુ અર્જુન, અલ્લુ શિરીષ, વરુણ તેજ, નિહારિકા અને સાઈ ધરમ તેજ. ચિરંજીવીએ કહ્યું, ‘અમારા પરિવારનાં આ બધાં સંતાનોએ ફિલ્મક્ષેત્રે જે નામના મેળવી છે એનાથી હું બહુ જ ખુશ છું.’ ચિરંજીવીની ‘આચાર્ય’ ફિલ્મ 29 એપ્રિલે રિલીઝ થવાની છે. એમાં રામ ચરણ અને પૂજા હેગડેની પણ મહત્ત્વની ભૂમિકા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]