મુંબઈઃ ‘સસુરાલ સિમર કા’, ‘બ્યોમકેશ બક્ષી’, ‘યસ બોસ’, ‘બા બહુ ઔર બેબી’, ‘મેરે અંગને મેં’, ‘કુછ રંગ પ્યાર કે ઐસે ભી’ જેવી ટીવી હિન્દી સિરિયલોના અભિનેતા આશિષ રોયનું કિડની ખરાબ થઈ જવાને કારણે અહીં નિધન થયું છે. એમની વય 55 વર્ષ હતી. એ ત્રણેક મહિનાથી બીમાર હતા. આર્થિક તંગીને કારણે તેઓ સારવાર કરાવી શક્યા નહોતા. આખરે આજે સવારે લગભગ 4.55 વાગ્યે આખરી શ્વાસ લીધો હતો. આશિષ રોયને ઘણા વખતથી કિડનીની બીમારી હતી. એમની બંને કિડની ફેલ થઈ ગઈ હતી. ગયા વર્ષે એમણે સોશિયલ મિડિયા મારફત પોતાને આર્થિક મદદ કરવાની લોકોને વિનંતી કરી હતી.
બીમાર હોવા છતાં રોય કામ માગતા હતા. કલર્સ ચેનલ સાથે એમણે અમુક દિવસો પહેલાં જ વાતચીત કરી હતી અને ડબિંગનું કામ પણ ચાલુ હતું. એમના પરિવારમાં એમના બહેન સિવાય બીજું કોઈ નથી. બહેન કોલકાતામાં રહે છે.
રોયે ગઈ 18 મેએ જન્મદિવસ ઉજવ્યો હતો અને ત્યારે જ એમણે પોતાના મૃત્યુનું નિવેદન કર્યું હતું. એમણે કહ્યું હતું કે સારવાર પાછળ મારે ચારેક લાખ રૂપિયાનો ખર્ચ થઈ ચૂક્યો છે. છેલ્લા 8 મહિનાથી કોઈ આવક થઈ ન હોવાથી મારે સારવાર અધવચ્ચે જ પડતી મૂકી દેવી પડી છે. ઘેર જઈને મરી જઈશ તો પણ કોઈ દુઃખ નહીં થાય.