‘દિલ્હી ક્રાઈમ’ને મળ્યો ‘બેસ્ટ ડ્રામા સિરીઝ’નો ઈન્ટરનેશનલ એમી એવોર્ડ

મુંબઈઃ 2012ની સાલમાં દિલ્હીમાં બનેલી ચોંકાવનારી ગેંગરેપ અને હત્યાની ઘટના (નિર્ભયા ગેંગરેપ, હત્યા) પર આધારિત ‘દિલ્હી ક્રાઈમ’ વેબસિરીઝને 48મા ઈન્ટરનેશનલ એમી એવોર્ડ્સમાં બેસ્ટ ડ્રામા સિરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ વેબસિરીઝને OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર માર્ચ, 2019માં રિલીઝ કરવામાં આવી હતી. ઈન્ટરનેશનલ એમી એવોર્ડ જીતનાર આ પહેલો જ ભારતીય શો બન્યો છે. આ સમાચાર ઈન્ટરનેશનલ એમની એવોર્ડ્સના સત્તાવાર ટ્વિટર પેજ ઉપર પોસ્ટ કરવામાં આવ્યા છે.

સાત-એપિસોડવાળી આ વેબસિરીઝમાં અભિનેત્રી શેફાલી શાહે દિલ્હી પોલીસનાં ડીસીપી વર્તિકા ચતુર્વેદીની ભૂમિકા કરી છે. રસિકા દુગ્ગલ, આદિલ હુસેન, રાજેશ તૈલંગ, અવિજીત દત્ત, ગોપાલ દત્ત, જયા ભટ્ટાચાર્ય, ડેન્ઝિલ સ્મિથ અને યશસ્વિની દયામા જેવા અન્ય કલાકારો પણ તેમાં છે. આ વેબસિરીઝના લેખક અને દિગ્દર્શક રિચી મહેતા છે. નિર્માણ નેટફ્લિક્સ ઈન્ડિયા, એસ.કે. ગ્લોબલ એન્ટરટેનમેન્ટ અને ગોલ્ડન કારવાંએ કર્યું હતું.

આ સમાચારને બોલીવૂડે વધાવી લીધા છે. હૃતિક રોશન, વિદ્યા બાલન, નિર્માતા કરણ જોહર, નિર્માત્રી ઝોયા અખ્તર, વિકી કૌશલ, યામી ગૌતમ, ગાયક-સંગીતકાર વિશાલ દદલાની, શમિતા શેટ્ટી જેવી હસ્તીઓએ દિલ્હી ક્રાઈમની ટીમને અભિનંદન આપ્યાં છે. શેફાલી શાહે કહ્યું છે કે આ એવોર્ડ બદલ પોતે ગૌરવ પ્રાપ્ત કર્યાની લાગણી અનુભવે છે. હું ખૂબ જ ખુશ છું. દિલ્હી ક્રાઈમનો હિસ્સો બની એ બદલ હું ગર્વની લાગણીનો અનુભવ કરું છું.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]