‘ગૂડ ન્યૂઝ’નું રમૂજસભર ટ્રેલર; અનેક ગડબડમાંથી ઊભી થઈ હાસ્યની ક્ષણો

મુંબઈ – રાજ મહેતા દ્વારા દિગ્દર્શિત તેમજ અક્ષય કુમાર, કરીના કપૂર-ખાન, દિલજીત દોસાંજ અને કિયારા અડવાની અભિનીત ‘ગૂડ ન્યૂઝ’ ફિલ્મનું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે.

ફિલ્મની વાર્તા બે કન્ફ્યૂઝ્ડ પ્રેગનન્ટ દંપતી પર આધારિત છે. આ બે કપલ છે – કરીના અને અક્ષય તથા કિયારા-દિલજીત. બેઉ દંપતી મા-બાપ બનવા અને એમને બાળક થાય માટે ઉત્સૂક છે. આઈવીએફ ટ્રીટમેન્ટ માટે બેઉ પતિ-પત્ની સંજોગવશાત્ એક જ હોસ્પિટલમાં જાય છે.

ટ્રેલરની શરૂઆતમાં કરીના-અક્ષય એક ડોક્ટરના ક્લિનિકમાં બેઠેલા દેખાય છે. ડોક્ટર એમને તેમની સેક્સ લાઈફ વિશે સવાલો કરે છે. અક્ષય જવાબ આપવામાં ઉતાવળીયો છે.

ફિલ્મની વાર્તામાં બંને પંજાબી (બત્રા) દંપતી છે. એક છે દીપ્તી-વરુણ બત્રા તો બીજું દંપતી છે મોનિકા અને હની બત્રાનું. બંને દંપતીની અટક સરખી જ હોવાથી એમનાં એગ્સ અને શુક્રાણુઓની હોસ્પિટલનો સ્ટાફ ભૂલથી અદલાબદલી કરી નાખે છે.

ચારેય મુખ્ય કલાકાર પોતપોતાનાં કોમેડી અભિનયમાં પ્રભાવિત કરે છે. એમની કોમેડીને કારણે નાટ્યાત્મક્તામાં વધારો થાય છે.

ટ્રેલર ચોક્કસપણે લાફ્ટર રાઈડ જેવું છે. ટ્રેલરની શરૂઆત જ રમૂજી સંવાદો સાથે થાય છે.

ટ્રેલર રિલીઝ કરતાં પહેલાં ફિલ્મના નિર્માતાઓએ ફિલ્મના અનેક રંગબેરંગી પોસ્ટર્સ રિલીઝ કર્યા હતા જેમાં અક્ષય અને દિલજીતના પાત્રોને ગર્ભવતી કરીના અને કિયારાનાં ફૂલી ગયેલા પેટ વચ્ચે દબાઈ ગયેલા બતાવવામાં આવ્યા હતા.

આદિલ હુસૈન ડોક્ટરની ભૂમિકામાં છે જ્યારે ટીસ્કા ચોપરા સહાયક ભૂમિકામાં છે.

‘ગૂડ ન્યૂઝ’ આવતી 27 ડિસેંબરે રિલીઝ થવાની છે.

(જુઓ ગૂડ ન્યૂઝનું ટ્રેલર)