ઓસ્કર-2023 એવોર્ડ માટે ‘છેલ્લો શૉ’ ભારતની સત્તાવાર એન્ટ્રી

નવી દિલ્હીઃ ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શૉ’ (અંગ્રેજી ટાઈટલ ‘લાસ્ટ ફિલ્મ શૉ’)ને આવતા વર્ષ માટેના ઓસ્કર એવોર્ડ્સ માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. આની જાહેરાત ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવી છે. 95મો એકેડેમી એવોર્ડ્સ કાર્યક્રમ 2023ની 12 માર્ચે લોસ એન્જેલિસમાં યોજવામાં આવનાર છે.

‘છેલ્લો શૉ’ ફિલ્મનું દિગ્દર્શન પાન નલીને કર્યું છે. આ ફિલ્મ આવતી 14 ઓક્ટોબરે ભારતમાં થિયેટરોમાં રિલીઝ કરવામાં આવનાર છે. તેનો વર્લ્ડ પ્રીમિયર શૉ 2021માં ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલમાં યોજવામાં આવ્યો હતો. ગયા વર્ષના ઓક્ટોબરમાં આ ફિલ્મે વેલાડોલિડ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ગોલ્ડન સ્પાઈક એવોર્ડ જીત્યો હતો.

આ ફિલ્મ ઓસ્કર-2023માં શ્રેષ્ઠ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ‘કશ્મીર ફાઈલ્સ’ અને ‘RRR’ જેવી ધુરંધર ફિલ્મોને પાછળ રાખી દઈને ‘છેલ્લો શૉ’એ ઓસ્કર-2023 માટે નામાંકન મેળવ્યું છે.

ઓસ્કર એવોર્ડમાં અંતિમ-પાંચ તબક્કામાં પ્રવેશ કરનાર છેલ્લી ભારતીય ફિલ્મ હતી ‘લગાન’, જેણે તે સિદ્ધિ 2001માં મેળવી હતી. ટોપ-ફાઈવમાં સ્થાન મેળવનાર અગાઉની બે ભારતીય ફિલ્મ છે – ‘મધર ઈન્ડિયા’ (1958) અને ‘સલામ બોમ્બે’ (1989).

નિર્માતા સિદ્ધાર્થ રોય કપૂરના બેનર ‘રોય કપૂર ફિલ્મ્સ’ દ્વારા નિર્મિત ‘છેલ્લો શૉ’ ફિલ્મમાં ભાવિન રબારી, ભાવેશ શ્રીમાળી, રિચા મીના, દીપેન રાવલ અને પરેશ મહેતાએ અભિનય કર્યો છે. આ ફિલ્મની વાર્તા સૌરાષ્ટ્રના એક ગામડા પર આધારિત છે. સમય નામનો અને 9 વર્ષનો એક છોકરો ફિલ્મ જોવા માટે સખત મહેનત કરે છે. એ માટે તે શાળાએ પણ નથી જતો. એ દરમિયાન તે થિયેટરના મેનેજર સાથે દોસ્તી કરીને એને માટે ટિફિન મોકલાવે છે, જેથી પોતે થિયેટરમાં ફિલ્મ જોઈ શકે. પરંતુ એ સંઘર્ષમાં એને માલુમ પડે છે કે બધો ખેલ વાર્તાનો છે.