મુંબઈઃ પોર્નોગ્રાફી વિડિયો કથિતપણે શૂટ કરાવીને તેને પોતાની વેબસાઈટ પર અપલોડ કરવા બદલ અભિનેત્રી અને મોડેલ ગહના વશિષ્ઠની મુંબઈ પોલીસના ક્રાઈમ બ્રાન્ચ અધિકારીઓએ ધરપકડ કરી છે. ગહના વેબસિરીઝ ‘ગંદી બાત’માં ચમકી હતી. ગહનાનું સાચું નામ વંદના તિવારી છે. એ છત્તીસગઢ રાજ્યની વતની છે. ગહનાએ ‘મિસ એશિયા બિકીની’ તાજ જીતી છે અને ઓલ્ટ બાલાજી વેબસિરીઝ ‘ગંદી બાત’માં અભિનય કરવા માટે જાણીતી છે. એ કેટલીક હિન્દી અને તેલુગુ ફિલ્મો અને કમર્શિયલ જાહેરખબરોમાં પણ ચમકી છે. કહેવાય છે કે તેણે પોર્નોગ્રાફીના 87 વિડિયો શૂટ કરાવ્યા હતા અને પોતાની વેબસાઈટ પર અપલોડ કર્યા હતા. વ્યૂઅર્સને આ બધું રૂ. 2000ની સબ્સ્ક્રિપ્શન ફી ચૂકવવાથી મોબાઈલ ફોન એપ્લિકેશન્સ મારફત ઉપલબ્ધ કરાવાતા હતા.
એક અહેવાલ અનુસાર, ક્રાઈમ બ્રાન્ચના પ્રોપર્ટી સેલના અધિકારીઓએ મલાડ (વેસ્ટ)ના મઢ આયલેન્ડ પરના એક બંગલા પર દરોડો પાડીને આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય કેટલાક જણની પણ ધરપકડ કરી છે. એમાં પોર્નવિડિયોના દિગ્દર્શક અને નિર્માતા યાસ્મીન બેગ ખાન ઉર્ફે રોવા, ગ્રાફિક ડિઝાઈનર પ્રતિભા નલાવડે, અભિનેતા મોનૂ ગોપાલદાસ જોશી, સહાયક ભાનુસૂર્યમ ઠાકુર, કેમેરામેન મોહમ્મદ આસીફ ઉર્ફે સૈફીનો સમાવેશ થાય છે. પોલીસે આ ઉપરાંત ત્રણ બેન્ક એકાઉન્ટ અને તેમાંની રૂ. 36 લાખની રકમ પણ કબજામાં લીધી છે.
