મુંબઈઃ બોલિવુડના મશહૂર કોમેડિયન અને એક્ટર જગદીપનું ગઈ કાલે તેમના નિવાસસ્થાને નિધન થયું છે. તેઓ 81 વર્ષના હતા. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમનું અસલી નામ સૈયદ ઇશ્તિયાક અહમદ જાફરી હતું. જગદીપે અનેક બોલિવુડ ફિલ્મોમાં કામ કર્યું હતું, પણ ‘શોલે’ ફિલ્મમાં તેમણે ભજવેલું સૂરમા ભોપાલીનું પાત્ર અમર થઈ ગયું છે. તેમના નિધનથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોક વ્યાપી ગયો છે. જોની લિવરથી માંડીને આયુષ્માન ખુરાના જેવા કલાકારોએ ટ્વીટ કરીને જગદીપને શ્રદ્ધાંજલિ આપી છે.
રાત્રે 8.30 કલાકે નિધન થયું
પરિવારના નજીકના મિત્ર નિર્માતા મહમૂદ અલીએ જણાવ્યું હતું કે જગદીપનું એમના બાંદરાસ્થિત નિવાસસ્થાને રાત્રે 8.30 કલાકે તેમનું નિધન થયું હતું. વૃદ્ધાવસ્થાને લગતી સમસ્યાઓને કારણે તેઓ બીમાર હતા. જગદીપના પરિવારમાં બે પુત્રો –જાવેદ અને નાવેદ જાફરી છે અને એક પુત્રી છે, મુસ્કાન.
પહેલા ડાયલોગથી જીતી લીધું દિલ
જગદીપે વર્ષ 1951માં ફિલ્મ ‘અફસાના’થી ફિલ્મી યાત્રાની શરૂઆત કરી હતી. જગદીપે અભિનયના શરૂઆતના દિવસોમાં નાની-મોટી ભૂમિકા ભજવી હતી. તેમણે પોતાના અભિનયથી બિમલ રોય જેવા ડિરેક્ટરોને પ્રભાવિત કર્યા હતા. તેમણે વર્ષ 1953માં ‘દો બીઘા જમીન’માં જગદીપને જૂતા પોલિશ કરવાવાળા લાલુ ઉસ્તાદની ભૂમિકા ભજવવાની તક આપી હતી.
પિતાના નિધન પછી શિક્ષણ છોડ્યું
જગદીપનો જન્મ બ્રિટિશ ઇન્ડિયાના દતિયા સેન્ટ્રલ પ્રોવિન્સમાં (હવે મધ્ય પ્રદેશમાં) 29 માર્ચ, 1939માં થયો હતો. તેમનું અસલી નામ સૈયદ ઇશ્તિયાક અહમદ જાફરી હતું. તેમના પિતાનું નામ સૈયદ યાવર હુસૈન હતું અને માતાનું નામ કનીજ હૈદર હતું. પિતાના નિધન અને 1947માં દેશના ભાગલા પછી પરિવાર આર્થિક તંગીમાં મુકાયો હતો, જેથી તેમની માતા પરિવાર સાથે મુંબઈ આવી ગયાં હતાં. આર્થિક તંગીને કારણે જગદીપે સ્કૂલ છોડવાનો નિર્ણય કર્યો હતો.
‘શોલે’એ અલગ ઓળખ આપી
જગદીપે 400 ફિલ્મોમાં કામ કર્યું હતું, પણ 1975માં આવેલી ફિલ્મ ‘શોલે’ના સૂરમા ભોપાલીની તેમની ભૂમિકાને પ્રશંસકો આજે પણ યાદ કરે છે.
બોલિવુડમાં અનેક કલાકારોએ ટ્વીટ કરીએ શ્રદ્ધાંજલિ આપી
જગદીપના નિધન પછી બોલિવુડમાં શોક વ્યાપી ગયો છે. અજય દેવગન, મનોજ બાજપેયી, જોની લિવર અને અનુપમ ખેર સહિતના કલાકારોએ તેમને સોશિયલ મિડિયા પર યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.