‘લવરાત્રી ફિલ્મ બતાવશો નહીં’: વડોદરાના મલ્ટીપ્લેક્સ માલિકોને શિવસેનાની ચેતવણી

વડોદરા – એક્ટર સલમાન ખાન દ્વારા નિર્મિત હિન્દી ફિલ્મ લવરાત્રી રિલીઝ થવાને હવે માંડ મહિનો બાકી રહ્યો છે ત્યારે શિવસેનાએ શહેરના મલ્ટીપ્લેક્સીસ અને થિયેટર માલિકોને ચેતવણી આપી દીધી છે નિર્માતાઓ આ ફિલ્મનું શિર્ષક બદલે નહીં ત્યાં સુધી ફિલ્મને પ્રદર્શિત કરશો નહીં.

શિવસેનાએ થિયેટરમાલિકોને એક આવેદનપત્ર આપ્યું છે. એમાં જણાવાયું છે કે, અમારી તમને વિનંતી છે કે જો ફિલ્મનું શિર્ષક યથાવત્ રાખવામાં આવે તો તમે પણ તમારા સંબંધિત થિયેટર, મલ્ટીપ્લેક્સમાં આ ફિલ્મ બતાવશો નહીં. પરંતુ જો તમે હાલના શિર્ષક સાથે ફિલ્મ બતાવવાના તમારા નિર્ણયમાં આગળ વધશો તો એને માટે તમે જ સંપૂર્ણપણે જવાબદાર રહેશો.

લવરાત્રી ફિલ્મ સાથે સલમાન ખાનનો બનેવી આયુષ શર્મા અને વારિના હુસૈન બોલીવૂડમાં એન્ટ્રી કરી રહ્યાં છે. આ ફિલ્મ સામે હિન્દુ સંગઠનો વિરોધ કરી રહ્યા છે. એમનો દાવો છે કે ફિલ્મનું ટાઈટલ હિન્દુ સમાજના ઉત્સવ નવરાત્રી નામને બગાડે છે.

આ ફિલ્મનાં કલાકારો ફિલ્મના પ્રચાર માટે વડોદરાની મુલાકાતે આવ્યાં હતાં ત્યારે હિન્દુ સંગઠનોનાં કેટલાંક સભ્યોએ એ કાર્યક્રમો ખોરવી નાખ્યા હતા.

શિવસેનાના વડોદરા એકમના પ્રવક્તા તેજસ બ્રહ્મભટ્ટે કહ્યું છે કે જો ફિલ્મનું ટાઈટલ બદલવામાં નહીં આવે તો અમે આ ફિલ્મને વડોદરામાં રિલીઝ થવા નહીં દઈએ. અમને ફિલ્મ સાથે કોઈ વાંધો નથી, પણ એનું ટાઈટલ હિન્દુ સંસ્કૃતિના અપમાન સમાન છે. અમે જિલ્લા કલેક્ટરને પણ આ જ પ્રકારનું આવેદનપત્ર આપ્યું છે. જો ફિલ્મ આ જ નામ સાથે રિલીઝ કરવામાં આવશે તો અમે અમારું આંદોલન ઉગ્ર બનાવીશું.