દિલીપકુમાર હોસ્પિટલમાંથી જલદી ડિસ્ચાર્જ થશેઃ સાયરાબાનુ

મુંબઈઃ શ્વાસ લેવામાં તકલીફ ઊભી થતાં હિન્દી ફિલ્મોના મહાન અભિનેતા દિલીપકુમારને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર એક તસવીર શેર કરવામાં આવી છે જેમાં એ હોસ્પિટલના બેડ પર એમના પત્ની સાયરાબાનુ સાથે દેખાય છે.

સાયરાબાનુએ એની સાથે જ દિલીપકુમારની તબિયત વિશે અપડેટ પણ કર્યું છે. એમણે કહ્યું છે કે, ‘દિલીપકુમારને ટૂંક સમયમાં જ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે. મારાં પતિ યૂસુફ ખાન છેલ્લા અમુક દિવસોથી અસ્વસ્થ છે અને મુંબઈની હોસ્પિટલમાં એમની સારવાર કરવામાં આવી રહી છે. હું આ નોંધ સાથે આપ સહુની પ્રાર્થના અને પ્રેમ માટે આભાર વ્યક્ત કરું છું. મારાં પતિ મારાં કોહિનૂર, આપણા દિલીપકુમાર સાહેબની તબિયત હવે સારી છે અને ડોક્ટરે મને ખાતરી આપી છે કે એમને જલદી ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે.’