બોલીવૂડના ‘હીમેન’ ધર્મેન્દ્ર થયા ૮૨ વર્ષના…

અભિનય દ્વારા દર્શકોનાં દિલ જીતી લેનાર પીઢ અભિનેતા ધર્મેન્દ્ર આજે એમનો ૮૨મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. પંજાબના ફગવાડામાં એક શીખ જાટ પરિવારમાં જન્મેલા ધર્મેન્દ્ર 1958માં મુંબઈ આવ્યા હતા. કારકિર્દીની શરૂઆતમાં એમણે મુંબઈમાં ખૂબ સંઘર્ષ કર્યો હતો. અમુક નિર્માતા-દિગ્દર્શકોએ એમને કહ્યું હતું કે ‘તું અભિનેતા તરીકે ફિલ્મોમાં ન ચાલે અને તારે ગામ પાછો જતો રહે.’ એને કારણે કંટાળીને ધર્મેન્દ્ર મુંબઈથી ફગવાડા પાછા જતા રહ્યા હતા, પણ અભિનેતા બનવા એ ખૂબ મક્કમ હતા. મુંબઈ ફરી આવ્યા હતા અને ફિલ્મફેર ટેલેન્ટ હન્ટમાં ભાગ લીધો હતો. ત્યાં એમની મુલાકાત ફિલ્મ નિર્માતા અર્જુન હિંગોરાની સાથે થઈ હતી, બસ ત્યાંથી જ ધર્મેન્દ્રની ફિલ્મી સફરનો આરંભ થયો હતો. હિંગોરાનીએ ધર્મેન્દ્રને 1960માં ‘દિલ ભી તેરા, હમ ભી તેરે’ ફિલ્મમાં ચમકાવ્યા હતા. લોકોએ એ ફિલ્મ અને ધર્મેન્દ્રની એક્ટિંગને પસંદ કરી હતી.

‘ધર્મેન્દ્ર-ક્લોઝઅપ’ વિગત – ‘જી’ મેગેઝિનના રજત જયંતી અંકમાંથી સાભાર…


ધર્મેન્દ્ર (ક્લોઝઅપ)

 • આખું નામઃ ધર્મેન્દ્રસિંહ દેઓલ
 • જન્મઃ 1935ની 8 ડિસેમ્બરે લુધિયાણાના નસરૌલી ગામમાં.
 • બાળપણઃ પંજાબના ફગવાડામાં વીત્યું.
 • અભ્યાસઃ મેટ્રિક સુધી અભ્યાસ કર્યો હતો, ઈતિહાસ માનીતો વિષય હતો.
 • કિશોરાવસ્થામાં ફિલ્મી કલાકારોની તસવીરો મેગેઝિનોમાંથી કાપીને એકઠી કરવાનો શોખ હતો.
 • સ્કૂલમાંથી નાસી જઈને ગૂપચૂપ ફિલ્મો જોવાનો જબરો શોખ હતો.
 • ઉર્દૂ ભાષા પર વર્ચસ્વ છે.
 • સ્કૂલમાં અને મુંબઈ આવ્યા બાદ છોકરીઓથી ખૂબ શરમાતા, સ્ત્રીઓથી આઘો જ રહેતા.
 • ફિલ્મલાઈનમાં આવ્યા એ પહેલાં રેલવેમાં એક સામાન્ય કારકૂન હતા.
 • ફિલ્મલાઈનમાં આવતા પહેલાં જ લગ્ન કરી લીધા હતા.
 • પ્રથમ પત્ની પ્રકાશકૌર દ્વારા એક દીકરી અને બે દીકરા છે.
 • બીજી પત્ની હેમા માલિનીથી બે દીકરી થઈ છે.
 • બોલીવૂડમાં પ્રવેશની પહેલી ફિલ્મ હતી ‘દિલ ભી તેરા, હમ ભી તેરે’. એમાં તેમની હીરોઈન હતી કૂમકૂમ.
 • હિન્દી ઉપરાંત પંજાબી અને બંગાળી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
 • જ્યોતિષીઓથી હંમેશાં દૂર રહે છે.
 • ફિલ્મોમાં આવતા પહેલાં લશ્કરમાં મોટા અફસર બનવાનું વિચારતા હતા.
 • ફેવરિટ કલાકાર પ્રેમનાથ. બાળપણમાં પ્રેમનાથી ફિલ્મો ખાસ જોતા.
 • હોલીવૂડ કલાકારોમાં મનપસંદ કલાકારો છે – પૌલ ન્યૂમેન અને અલી મેકગ્રો.
 • પોતાના સ્ટન્ટ ડુપ્લીકેટની મદદ વિના જાતે જ કરવાનું પસંદ કરતા. ‘દેવર’ ફિલ્મમાં એક ચિત્તા સાથે જાતે જ ફાઈટ કરી હતી.
 • ફોન પર વાતો કરવાનું પસંદ નથી.
 • લક્સ મનપસંદ સાબુ, પરફ્યૂમનો ખાસ શોખ નથી.
 • શરાબ પીવાનો બેહદ શોખ, કોઈ નિશ્ચિત ક્વોટા નથી. મનપસંદ શરાબ શેમ્પેઈન છે.
 • હળવું સંગીત સાંભળવું ગમે, ગઝલોનો ભારે શોખીન છે.
 • પાર્ટીઓમાં જવાનો કે બર્થડે પાર્ટીમાં જવાનો શોખ નથી.
 • ડાયટિંગ હરગીઝ કરતા નથી.
 • સુવા-જાગવાનો કોઈ નિશ્ચિત સમય નથી.
 • શાકાહારી વાનગીઓ ખૂબ જ ભાવે. સરસોનું શાક, મકાઈની રોટી, આલુપરોઠા, દહીંનું રાયતું ખાસ ભાવે.
 • વિદેશોની સહેલમાં લંડન, માલ્ટા, જાપાન પ્રિય.
 • સંઘર્ષકાળ દરમિયાન મુંબઈમાં જૂહુ ખાતે નાનકડી ઓરડીમાં રહેતા.
 • મુંબઈથી કંટાળીને એકવાર પંજાબ ફર્યા હતા. ટ્રેન ભાડાનાં પૈસા નહોતા એટલે એક દોસ્ત પાસેથી ઉધાર લીધા હતા.
 • સિગારેટ પીવાનો બહુ શોખ.
 • પોતાની આત્મકથા લખવાની ઈચ્છા છે.