શશી કપૂરે ‘પેકઅપ’ કર્યું: ‘જી’ મેગેઝિનના ખજાનામાંથી એમનાં વિશે કેટલુંક વિશેષ…

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ભારતનાં હિન્દીફિલ્મ દર્શકોને મનોરંજનનો રસથાળ પીરસનાર કપૂર ખાનદાનનો એક વધુ સિતારો આથમી ગયો છે. શશી કપૂરનાં નિધન સાથે
બોલીવૂડના એક નિર્વિવાદ અભિનેતાની એક્ઝિટ થઈ છે. રોમેન્ટિક હીરો વિશે કેટલીક રસપ્રદ વાતો અહીં પ્રસ્તુત છેઃ

 

શશી કપૂરના જીવનનો એ સૌથી ઉન્માદક દિવસ હતો…!

બોલીવૂડના સોહામણા, ચાર્મિંગ અભિનેતા શશી કપૂર તો આજે આપણી વચ્ચે રહ્યા નથી, તેઓ પંચમહાભૂતમાં વિલિન થઈ ગયા છે, પરંતુ એમની અમુક જૂની વાતોને યાદ કરીએ તે એમને આપેલી એક શ્રદ્ધાંજલિ કહેવાશે. ‘ચિત્રલેખા’ ગ્રુપના ‘જી’ મેગેઝિનમાં રજત જયંતિ અંકમાં શશી કપૂર વિશે એક રસપ્રદ સમાચાર પ્રગટ થયા હતા.

(શશી કપૂરનાં જ શબ્દોમાં એ વાંચીએ):

‘હું મૂળમાં તો સાવ જ બુદ્ધુ હતો. સૌથી નાનો હોવાથી મારા બે મોટા ભાઈઓની સરખામણીમાં હું વધુ સુરક્ષિત રહેતો, તેથી સ્વભાવે અતડો અને શરમાળ હતો. સ્કૂલનાં સંભારણાંમાં મને તો તસતસતાં કપડાં જ યાદ છે. શર્ટના બટન માંડ બંધ થઈ શકતા. બીજું પણ સંભારણું છે. હોમવર્ક ન કરવાને લીધે માસ્તર મારતા. હું જાડી ચામડીનો નહોતો તેથી માઠું લાગતું. બિન્દાસ પણ નહોતો. લાપરવા નહોતો. મને ખૂબ જ લાગી આવતું. ગણિતના દાખલા નહોતા આવડતા તેથી હું હોમવર્ક કરતો નહોતો.

સ્કૂલની બહારની ઈરાની રેસ્ટોરાંમાં અમારો અડ્ડો જામતો, રીસેસ દરમિયાન અમે ત્યાં ઊભા રહીને આસપાસ રહેતી ખૂબસૂરત છોકરીઓની ચર્ચા કરતા. તે સમયે કીંગ્સ સર્કલમાં પારસીઓની જ વસ્તી હતી. રીસેસમાં ભૂગોળ અને ગણિતનાં પ્રશ્નો ન પૂછતા તેથી મારા વ્યક્તિત્વમાં પરિવર્તન થયું. હું ઠઠ્ઠા-મશ્કરી કરતો. ઘંટ વાગતાં જ હું કોચલામાં પેસી જતો.

એક પારસી છોકરી જે મને ગમતી હતી એ મારા ઘરની પાસે જ રહેતી હતી. એની સાથે સંબંધ બાંધવા હું ઉત્સુક હતો પણ પૂછવાની હામ નહોતી. આખરે શમ્મી કપૂર મારી વહારે ધાયો. પેલીનો નંબર જોડીને રિસિવર મારા હાથમાં મૂકી દીધું. પરિસ્થિતિનો સામનો કર્યે જ છૂટકો! એણે આઘાત, ખામોશી અને ઈનકારથી શરૂઆત કરી. અંતે એ માની ગઈ. મારી જિંદગીનો એ સૌથી વધુ ઉન્માદક દિવસ હતો.

અમે રિગલમાં ફિલ્મ જોવા ગયેલા. ‘જે’ રૂટની બસમાં અમે બેઠાં તો ખરા પણ એણે એક પણ નજર ન નાખી કે એક પણ શબ્દ ન ઉચ્ચાર્યો. બાર ઈંચનું અંતર જાળવીને અમે ચાલતા હતા. ફિલ્મમાં ઉત્તેજક પ્રણયદ્રશ્ય આવતું ત્યારે એ ચેપી હોય એમ અમે આડું જોઈ લેતા. બસનો પ્રવાસ પણ એવો જ નીવડ્યો. બેસ્ટની બસમાં પૂર્ણ ખામોશી સાથે હું એના બિલ્ડિંગ સુધી ગયો. અમારી મુલાકાતનો એક જ સંવાદ. પેલીએ કહ્યું: ‘થેન્ક યૂ!’ અને મેં કહ્યું: ‘યૂ આર વેલકમ.’

એના દરવાજાથી મારા ઘર સુધી હું એવી રીતે દોડ્યો જાણે ટ્રેઈનમાં આગ લાગી હોય! ઘરે પહોંચીને પાણીનો એક ગ્લાસ ગટગટાવી ગયો અને પથારીમાં કૂદી પડ્યો. કલાક બાદ તાવથી શરીર ધખતું હતું.

બાળપણમાં તાવ કદી પીછો છોડતો નહોતો. ‘ઈપ્ટા’ના નાટકો ભજવવા બહારગામ જતા ત્યારે મને વાયરસ નડતો અને તાવ ચડતો, પરંતુ પાપાજી બાળકો વચ્ચે કદી ભેદભાવ નહોતા રાખતા. જરાયે લાડ કર્યા વિના તાવમાં સબડવા દઈને પરિસ્થિતિનો સામનો કરતા. એક વાર તો તાવ વધીને ૧૦૪ ડિગ્રી થઈ ગયો ત્યાં સુધી મારી ઉપેક્ષા કરેલી. સનેપાતમાં હું ફાવે તેમ બબડવા માંડ્યો ત્યારે લોકોને લાગ્યું કે હું મરવા પડ્યો છું. ત્યારે જ એમણે મને સ્પેશિયલ રૂમમાં ખસેડ્યો.

 

 

ફેમસ પરિવારના હોવા છતાં શશી કપૂર સંઘર્ષ કરીને આગળ આવ્યા હતા…

(ડાબે) પિતા પૃથ્વીરાજ અને બે મોટા ભાઈ રાજ તથા શમ્મી કપૂર સાથે. (વચ્ચે) પત્ની જેનીફર. (જમણે) ત્રણ સંતાન – પુત્રી સંજના અને પુત્રો – કુણાલ અને કરણ.

 • શશી કપૂરનો જન્મ ૧૯૩૮ની પંદર જાન્યુઆરીએ કલકત્તામાં થયો. એ દિવસોમાં એમના પિતા પૃથ્વીરાજ કપૂર ન્યુ થિયેટર્સના હીરો હતા.
 • 1944માં પિતા-પરિવાર સાથે મુંબઈ આવ્યા.
 • ડોન બોસ્કો હાઈસ્કૂલમાં ભણ્યા.
 • મેટ્રિકમાં ફેઈલ થતાં અભ્યાસ છોડી દઈને પિતાના પૃથ્વી થિયેટરમાં મેનેજર બની ગયા. એની સાથોસાથ નાટકોમાં અભિનય પણ કરતા.
 • મેનેજર તરીકે મહિને પચ્ચીસ રૂપિયાનો પગાર મળતો જે પાછળથી વધીને પંચોતેર રૂપિયાનો થયો હતો.
 • ફિલ્મોમાં પહેલી વાર, નવ વર્ષની ઉંમરે આવ્યા. એ ફિલ્મ હતી ‘આગ’ – જેમાં શશીએ રાજ કપૂરના બાળપણની ભૂમિકા કરી હતી.
 • એક વાર હેમલેટ નાટકમાં હીરોના કાકાની ભૂમિકા મળી હતી, પણ કાર્યક્રમના ત્રણ દિવસ પહેલાં એ ભૂમિકા બીજાને આપી દેવાઈ હતી. શશીને એનો કારમો આઘાત લાગ્યો હતો.
 • તેર વર્ષની વયે બોમ્બે ટોકિઝની ફિલ્મ ‘સંગ્રામ’માં કામ કર્યું હતું.
 • ફરી 14 વર્ષની વયે ‘આવારા’માં રાજ કપૂરના બાળપણની ભૂમિકા ભજવી.
 • ‘સંગ્રામ’માં એમની ભૂમિકા નઠારા છોકરાની હતી. એ માટે સિગારેટ પીધી ત્યારે એમના માતા નારાજ થઈ ગયા હતા.
 • રાજ કપૂરના આર.કે. ફિલ્મ્સ બેનરમાં શશી કપૂરને સહાયક નિર્દેશકની નોકરી મળી હતી.
 • બાર વર્ષની વયે શશીના જન્મદિને મોટા ભાઈ રાજ કપૂરે એમને મૂવી કેમેરા ભેટ આપેલો. એ કેમેરાથી ‘ફાંસી’ નામની બે રીલની ફિલ્મ બનાવી હતી. ‘ફાંસી’ની સ્ક્રિપ્ટ એમના બાળસખા પ્રયાગરાજે લખી હતી. એમાં શશી કપૂર ઉપરાંત એમના ભત્રીજી સુમન (ખલનાયિકા), એમના એક દોસ્ત અને ઘરના એક નોકરે કામ કર્યું હતું.
 • બાળપણમાં શશી કપૂરને બટેટાની ચિપ્સ, સમોસાં, શરબત બહુ ભાવતાં.
 • પૃથ્વી થિયેટર્સ બંધ થતાં પિતા પૃથ્વીરાજ કપૂરે શશીને પોતાના મિત્ર કેન્ડલની અંગ્રેજી કંપનીમાં જોડી દીધો. એ નોકરી દરમિયાન શશી કેંડલની પુત્રી જેનીફરના પરિચયમાં આવ્યા હતા. બંનેએ ઘણા અંગ્રેજી નાટકોમાં કામ કર્યું હતું. આગળ જતાં જેનીફર શશીનાં જીવનસાથી બન્યાં હતાં. જેનીફર સાથે શશીએ 14 નાટકોમાં કામ કર્યું હતું. સાતમાં એ હીરો હતા.
 • એક નાટકમાં તો જેનીફરે શશીના માતાની ભૂમિકા કરી હતી.
 • 1961થી શશીએ અભિનેતા તરીકે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી.
 • હીરો તરીકે એમની પહેલી ફિલ્મ હતી ‘ચાર દિવારી’.
 • એમની યાદશક્તિ બહુ તેજ હતી. એકવાર કોઈને મળ્યા પછી કદી ભૂલતા નહીં.
 • ચાઈનીઝ વાનગીઓ અને ફ્રેન્ચ-અમેરિકી પરફ્યૂમ્સના શોખીન હતા.
 • ક્રિકેટની રમતના પણ શોખીન હતા. આર.કે. સ્ટુડિયોમાં બધાયને ક્રિકેટ રમાડતા.
 • વારંવાર મોટર બદલવાનો શોખ હતો.
 • વાંચનના શોખીન હતા. અનેક જગપ્રસિદ્ધ સાહિત્યકારો-કવિઓની કૃતિઓ વાંચી ચૂક્યા હતા.
 • પિતાની યાદમાં, પુત્રી સંજના સાથે મળીને પૃથ્વી થિયેટરની પુનઃ સ્થાપના કરી હતી.