હું તો અમિતાભ બચ્ચનનાં પિતાનો રોલ કરવા પણ તૈયાર છું: અનિલ કપૂર

મુંબઈ – અભિનેતા અનિલ કપૂર આગામી હિન્દી ફિલ્મ રેસ 3માં સલમાન ખાનના પિતાનો રોલ કરવાના છે એવી વાતો છે. દરમિયાન અનિલે કહ્યું છે કે પોતાને જો તક મળે તો કોઈ ફિલ્મમાં મહાનાયક અમિતાભ બચ્ચનના પિતાનો પણ રોલ કરવા તૈયાર છે.

 

અનિલ કપૂરે રેસ ફિલ્મની સિરીઝની ગત તમામ ફિલ્મોમાં અભિનય કર્યો હતો.

એક મુલાકાતમાં જ્યારે એમને પૂછવામાં આવ્યું કે શું તમે રેસ 3માં સલમાનનાં પિતાનો રોલ કરી રહ્યા છો? તો જવાબમાં અનિલે કહ્યું, મને એવો રોલ કરવામાં કોઈ વાંધો નથી. હું એક કલાકાર છું એટલે અમિતજી (અમિતાભ બચ્ચન)નાં પિતાનો પણ રોલ કરવા તૈયાર છું.

અનિલે કહ્યું કે પોતે કરારબદ્ધ હોવાથી રેસ 3 ફિલ્મ વિશે કોઈ જાણકારી આપી શકે એમ નથી. માત્ર એટલું કહીશ કે રેસ 3ની સ્ટોરી અગાઉની ફિલ્મો કરતાં સાવ જુદી છે.

અનિલ કપૂરે ફને ખાન ફિલ્મમાં પોતાનું શૂટિંગ હાલમાં જ પૂરું કર્યું છે. એમાં એમની તાલ ફિલ્મની સહ-કલાકાર ઐશ્વર્યા રાય બચ્ચનની પણ ભૂમિકા છે.