શશી કપૂરની પ્રાર્થના સભામાં એમની અભિનેત્રીઓ ઉપસ્થિત રહી

મુંબઈ – ગઈ ચોથી ડિસેમ્બરે અવસાન પામેલા બોલીવૂડના લોકપ્રિય અભિનેતા શશી કપૂરની આજે અહીં યોજવામાં આવેલી પ્રાર્થના સભામાં વહીદા રહેમાન, રેખા, હેમા માલિની સહિત એમની નાયિકાઓ સહિત ફિલ્મ ઉદ્યોગની અનેક નામાંકિત હસ્તીઓએ હાજરી આપી હતી.

પ્રાર્થના સભા દરમિયાન કપૂર ખાનદાનના સભ્યોની સમૂહ તસવીર

શશી કપૂરની પ્રાર્થના સભાનું અહીં પૃથ્વી થિયેટર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. પૃથ્વી થિયેટરની સ્થાપના શશી કપૂર અને એમનાં પત્ની જેનિફર કપૂરે શશીના પિતા પૃથ્વીરાજ કપૂરની યાદમાં કરી હતી.

વહીદા રહેમાને શશી કપૂરની સાથે ‘કભી કભી’, ‘નમક હલાલ’ ફિલ્મોમાં કામ કર્યું હતું. રેખા સાથે શશી કપૂરે ‘સિલસિલા’માં કામ કર્યું હતું જ્યારે રેખા અભિનીત ‘ઉત્સવ’ ફિલ્મનું દિગ્દર્શન શશીએ કર્યું હતું. હેમા માલિનીએ શશી કપૂરની સાથે ‘ત્રિશુલ’, ‘ક્રાંતિ’ ફિલ્મોમાં કામ કર્યું હતું.

આ ઉપરાંત સિમી ગરેવાલ, પૂનમ ધિલોન, ડિમ્પલ કાપડિયા, પદ્મિની કોલ્હાપુરે જેવી અભિનેત્રીઓ પણ પ્રાર્થના સભામાં હાજર રહી હતી.

પ્રાર્થના સભામાં આ અભિનેત્રીઓએ શશી કપૂરની છબીની આસપાસ ઊભીને તસવીર પડાવી હતી.

પ્રાર્થના સભામાં બેકગ્રાઉન્ડમાં શશી કપૂર અભિનીત ‘કાલા પથ્થર’ ફિલ્મનું ગીત ‘એક રાસ્તા હૈ ઝિંદગી’ની ધૂન વગાડવામાં આવી હતી.

આ સભામાં રાજ કપૂરના પત્ની ક્રિષ્ના રાજ, નીતુ સિંહ-કપૂર, રણધીર કપૂર અને એમના પત્ની બબીતા, કરિશ્મા કપૂર, રાજીવ કપૂર સહિત કપૂર પરિવારનાં સભ્યો હાજર રહ્યા હતા.

ફિલ્મ ઉદ્યોગમાંથી ઉપસ્થિત રહેલી વ્યક્તિઓમાં ગુલઝાર, કબીર બેદી, રાકેશ રોશન, જિતેન્દ્ર, રમેશ સિપ્પી, પ્રેમ ચોપરા, નસીરુદ્દીન શાહ, સુભાષ ઘઈ, સંજય ખાન, આશા ભોસલે, રાની મુખરજી, ચંકી પાંડે, નંદિતા દાસ, કુણાલ ખેમુ અને સોહા અલી ખાન, આશુતોષ ગોવારીકર, કિરણ રાવ, સુનિલ શેટ્ટી, મધુર ભંડારકર, વિધુ વિનોદ ચોપરા, ઉદિત નારાયણ, વિપુલ શાહ, સોનાલી કુલકર્ણી, હંસલ મહેતા, ઝોયા અખ્તરનો સમાવેશ થાય છે.