‘83’ ફિલ્મને સફળ બનાવોઃ દીપિકા સિદ્ધિવિનાયક મંદિરમાં

મુંબઈઃ આજથી વિશ્વસ્તરે રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ‘83’માં અભિનેત્રી તરીકે કામ કરનાર દીપિકા પદુકોણ અને ફિલ્મનાં સહ-નિર્માતા રોમી કપિલ દેવે આજે અહીં પ્રભાદેવ ઉપનગર સ્થિત સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરે જઈને દર્શન કર્યાં હતાં. આ ફિલ્મ કપિલ દેવની આગેવાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમે 1983માં જીતેલી વર્લ્ડ કપ સ્પર્ધાના વિષય પર આધારિત છે.

દીપિકા પારંપારિક પોશાકમાં સજ્જ હતી અને તેને સુરક્ષાના કડક બંદોબસ્ત હેઠળ મંદિરમાં લઈ જવામાં આવી હતી. બોક્સ ઓફિસ પર ફિલ્મની સફળતા માટે તેણે ગણપતિબાપાના આશીર્વાદ માગ્યાં હતાં. દીપિકાએ ભૂતકાળમાં પણ તેની ફિલ્મોની રિલીઝ પૂર્વે આ મંદિરની મુલાકાત લીધી હતી. કબીર ખાન દિગ્દર્શિત ‘83’ ફિલ્મમાં દીપિકાનાં પતિ રણવીર સિંહે કપિલ દેવની ભૂમિકા ભજવી છે જ્યારે દીપિકાએ રોલ કર્યો છે રોમી દેવનો.