નવી દિલ્હીઃ બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂરે ગર્ભાવસ્થાના અનુભવોને શેર કરવા માટે એક પુસ્તક લખ્યું છે, જેનું નામ આપ્યું છે ‘કરીના કપૂર ખાન્સ પ્રેગનન્સી બાઇબલ’. આ ટાઇટલ પર જબલપુરના ક્રિશ્ચિયન સમાજસેવીએ વાંધો ઉઠાવ્યો છે. તેમનું માનવું છે કે કરીના કપૂરે પ્રેગનન્સી બાઇબલમાં જે બાઇબલ શબ્દનો ઉપયોગ કર્યો છે- એ ખોટું છે એનાથી ખ્રિસ્તી સમાજની ભાવનાને ઠેસ પહોંચી છે. આ શબ્દને શીર્ષકમાં લખવાથી જબલપુરના ક્રિસ્ટોફર એન્થનીએ વાંધો ઉઠાવતાં મધ્ય પ્રદેશની હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરી છે. એમાં કોર્ટે કરીના કપૂર અને પુસ્તક વેચતા વિક્રેતા પાસેથી જવાબ માગ્યો છે.
જબલપુરના ક્રિશ્ચિયન સમાજસેવી ક્રિસ્ટોફર એન્થનીનું માનવું છે કે માત્ર પુસ્તકના પ્રચાર માટે આ રીતે ખ્રિસ્તી ધર્મના પવિત્ર પુસ્તકનું નામ ટાઇટલમાં લખીને કરીના કપૂરે સસ્તી લોકપ્રિયતા હાંસલ કરવા માટે આ પગલું ભર્યું છે. કિસ્ટોફર એન્થનીનું કહેવું છે કે બાઇબલ વિસ્વમાં ખ્રિસ્તી ધર્મનું પુસ્તક છે કરીના કપૂર ખાનની તુલના બાઇબલ સાથે કરવી ખોટી છે. એનાથી અમારી ધાર્મિક લાગણી દુભાઈ છે.