અમિતાભની તબિયત ફરી લથડી; સર્જરી કરવી પડશે

મુંબઈઃ હિન્દી ફિલ્મજગતના 78-વર્ષીય મહાનાયક અમિતાભ બચ્ચનનું સ્વાસ્થ્ય ફરી બગડ્યું છે અને એમને એક સર્જરી કરાવવી પડશે. આ જાણકારી ખુદ અમિતાભે જ એમના બ્લોગ મારફત એમના લાખો પ્રશંસકોને આપી છે. અમિતાભે ગઈ કાલે એમના બ્લોગમાં માત્ર આટલું જ લખ્યું હતું: ‘મેડિકલ કન્ડિશન, સર્જરી, હું લખી નથી શકતો, એબી’ એમના માત્ર આટલા જ વાક્યએ એમના પ્રશંસકોમાં ચિંતા ફેલાવી દીધી છે. અમિતાભને કયા પ્રકારની સર્જરી કરાશે અને ક્યાં કરાશે એની કોઈ જાણકારી નથી. વળી, આ સર્જરી કરાશે કે થઈ ગઈ છે એ પણ સ્પષ્ટ થયું નથી. પ્રશંસકો અમિતાભના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા અને દુઆ માગી રહ્યા છે.

અમિતાભ નવી ફિલ્મ ‘ઝૂંડ’નું શૂટિંગ પણ ટૂંક સમયમાં શરૂ કરવાના છે. આ ફિલ્મના દિગ્દર્શક છે ‘સૈરાટ’ ફેમ નાગરાજ મંજુળે. ફિલ્મ આ વર્ષની 18 જૂને થિયેટરોમાં રિલીઝ કરવાનું નિર્ધારિત છે. અમિતાભની ‘ચેહરે’ ફિલ્મ 30 એપ્રિલે રજૂ થવાની છે.